ગુજરાત
News of Friday, 20th May 2022

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રામાં બે વર્ષમા 9 બાળકોના હૃદયરોગના ઓપરેશન

યોજના અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બાળકોને વિનામુલ્યે ઓપરેશન, સારવાર, રહેવા જમાવાનો અને મુસાફરીનો ખર્ચ સરકારે ઉઠાવ્યો

ગાંધીનગર :આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગ હસ્તકના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકાના ચાર બાળકો કે જેમને જન્મજાત હૃદયરોગની જાણકારી પ્રાપ્ત થઇ છે તેના ઓપરેશન ફ્રીમાં થયા. રાજ્ય સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ મુન્દ્રા તાલુકાના આરોગ્ય કેન્દ્રના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમની ટીમના ડો. સંજય યોગી અને ડો. કાવેરી મહેતાએ કહ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ ધોરણ 5 માં ભણતા કિરણબા ગોહિલને ક્ન્યા પ્રાથમિક શાળા ભદ્રેશ્વર, ધોરણ 4 ના વિદ્યાર્થી મુસ્કાન સદ્દિક દુધરાને ભદ્રેશ્વરમાંથી, લાખાપર પ્રાથમિક શાળાના ધોરણ 4ના વિદ્યાર્થી રાજવીરસિંહ જાડેજા અને વવાર ગામના ધોરણ 8માં અભ્યાસ કરતા ગઢવી કરણ લખમણને તેમજ બરાયા પ્રાથમિક શાળાના જાડેજા હિરલબાને હૃદયમાં વાલમાં નાનો છેદ હોવાનું બહાર આવ્યું.

બિમારીનું નિદાન થતાં જ તેમને ભુજની G.K. જનરલ હોસ્પિટલ ખાતે વધુ તપાસ, નિદાન અને સારવાર માટે બાળ સ્વાસ્થ્યની ટીમે જહેમત ઉઠાવી. ત્યાંથી તેમના હૃદયરોગના ઉપચાર માટે અમદાવાદની U.N. મહેતા હોસ્પિટલ હેઠળ વિના મુલ્યે તપાસ માટે ડો. સંજયભાઇ યોગી અને ડો. કાવેરીબેન મહેતા પાંચ બાળકોને લઇ ગયા. ત્યાંના તજજ્ઞોએ સરકારના નિયમાનુસાર વિનામુલ્યે તમામ તપાસ કરી તેમજ હૃદયરોગની ખરાઇ કરી પાંચ વિદ્યાર્થીનું ઓપરેશન નજીકના સમયમાં કરવામાં આવશે.

જે પૈકી 16મેના રોજ લાખાપરના ધોરણ 4 ના વિદ્યાર્થી રાજવીરસિંહ જાડેજાના હૃદયરોગનુ સફળતાપુર્વક ઓપરેશન પૂર્ણ કરાયું છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ રાજય સરકાર શાળાએ જતા તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને તપાસ વિનામુલ્યે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કરાવવામાં આવે છે.

બાળકના રોગના નિદાન બાદ સરકારે નિયત કરેલ જે તે રોગોની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બાળકોને વિનામુલ્યે ઓપરેશન, સારવાર, રહેવા જમાવાનો અને મુસાફરીનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આ કાર્યક્રમમાં બાળકોના પિતાની આવક, જ્ઞાતિ કે અન્ય કોઇ બાબત  જોવામાં આવતી નથી. તે આંગણવાડીમાં જતું બાળક કે ભણતુ બાળક હોવું જોઇએ. બાકી તમામ વ્યવસ્થા સરકારે નિયત કરેલા દવાખાના, કચેરીઓ અને કર્મચારી અધિકારીઓએ કરવાની હોય છે.

હાલ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર, વવાર અને બરાયાના થઇ કુલ ચાર બાળકોની શાળા આરોગ્યની તપાસ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની U.N. મહેતા હોસ્પિટલમાં ટુંક સમયમાં જ વિનામુલ્યે હૃદયરોગનું ઓપરેશન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં મુન્દ્રા તાલુકામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત કુલ 9 બાળકોના હૃદયરોગના ઓપરેશન કરવામાં આવ્યા છે.

(11:11 pm IST)