ગુજરાત
News of Friday, 20th May 2022

ગુજરાતમાં ખેતી ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી માટે સંસ્‍થા સ્‍થપાશે : બ્રિજેશ મેરજા

રાજ્‍યના ૫૯૫ આઇ.ટી.આઇ. કેન્‍દ્રો પરથી ૨.૧૭ લાખ તાલીમાર્થીઓને કૌશલ્‍યબધ્‍ધ કરાયાઃ સુરતના કાર્યક્રમમાં શ્રમ રોજગાર મંત્રીનું ઉદ્‌બોધન

સુરત,તા. ૨૦: શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્‍યક્ષસ્‍થાને નાનપુરા સ્‍થિત સમૃદ્ધિ બિલ્‍ડીંગ, SPB હોલ ખાતે રોજગાર અને તાલીમ નિયામક (DETDET) અને ગુજરાત કૌશલ્‍ય વિકાસ મિશન(GSDM) ના સંયુક્‍ત ઉપક્રમે ‘ઈન્‍ડસ્‍ટ્રી આઉટરીચ કાર્યક્રમ' યોજાયો હતો.            

આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્‍યું હતું કે, રોજગારદાતા સુરત શહેરે શ્રમ-કૌશલ્‍યની નવી પરિભાષા આપીને દેશના અન્‍ય શહેરોને પ્રેરણા પૂરી પાડી છે. રાજય સરકારે રાજયમાં ૫૯૫ આઈટીઆઈ કેન્‍દ્રો થકી ૨.૧૭ લાખથી વધુ તાલીમાર્થીઓને કૌશલ્‍યબદ્ધ કર્યા છે. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે ડ્રોનના વિશેષ ઉપયોગને ધ્‍યાને લેતા આગામી સમયમાં ડ્રોન ટેકનોલોજી માટે ઈન્‍સ્‍ટીટયુટ સ્‍થપાશે, જેની બજેટમાં પણ જોગવાઈ કરી છે.

આ પ્રસંગે ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતીએ શ્રમ અને રોજગાર વિભાગની કૌશલ્‍ય વિકાસ અને તાલીમ, રોજગાર સંવર્ધનના પ્રયાસોની સરાહના કરી હતી.

આ વેળાએ રાજય સરકારના રોજગાર કૌશલ્‍ય અને સ્‍કિલ ડેવલોપમેન્‍ટ અંતર્ગત વિવિધ યોજનાઓને દર્શાવતી વિડિયો ફિલ્‍મનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, ગુજરાત કૌશલ્‍ય વિકાસ મિશન(ગાંધીનગર) એમ.ડી.શ્રી લલિત નારાયણ સિંઘ, શહેર સંગઠન પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા રોજગાર અધિકારી પારુલબેન પટેલ અને વિવિધ ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(10:58 am IST)