ગુજરાત
News of Tuesday, 20th April 2021

ગાંધીનગર : રાજ્યપાલે પાર્થિવ પટેલ અને ઈરફાન પઠાણને કોરોના સેવા યજ્ઞમાં જોડાવવા અપીલ કરી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પહેલવાન સંગ્રામસિંહ અને અભિનેત્રી પાયલ રોહતગીએ કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન દ્વારા શરૂ કરાયેલાં કોરોના સેવાયજ્ઞમાં સહયોગ આપવા માટે ગુજરાતના ક્રિકેટરો  પાર્થિવ પટેલ અને  ઈરફાન પઠાણને પ્રેરિત કરી, માનવસેવાના આ સેવાયજ્ઞમાં અગ્રેસર થવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ ઓનલાઈન માધ્યમ દ્વારા  પાર્થિવ પટેલ અને  ઈરફાન પઠાણ સાથે પરામર્શ કરી રાજભવન દ્વારા પાયાના કોરોના વોરિયર્સને બે મહિના ચાલે, તેવી રાશન અને જીવન જરૂરી વસ્તુઓ તેમજ પ્રોટીન અને ઇમ્યુનિટી બૂસ્ટર સાથેની કીટ વિતરણ તેમજ જન જાગૃતિના વિવિધ પ્રકલ્પો વિશે માહિતી આપી હતી અને લોકસેવા તેમજ જનજાગૃતિના આ અભિયાનમાં બંને ક્રિકેટરોના સહયોગ માટે અનુરોધ કર્યો હતો. આ અંગે  પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સ સ્વસ્થ રહેશે તો જ સંક્રમિતોની સેવા કરી શકશે તેમણે કોરોના વોરિયર્સને કોરોના સામેના અભિયાનમાં ચાલકબળ ગણાવ્યા હતા. જ્યારે  ઈરફાન પઠાણે કોરોના વોરિયર્સને ખરા અર્થમાં માનવ સેવાના અગ્રદૂત ગણાવી તેમની સેવાને બિરદાવી હતી. આજ રીતે દેશભરની સેલિબ્રિટિઝને સાંકળીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવવા "થેન્ક્યુ કોરોના વોરિયર્સ" અભિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી ચલાવાશે.

આ અભિયાન અંતર્ગત રાજ્યપાલ સાથે ફીટ ઈન્ડિયા અભિયાન સાથે જોડાયેલા દેશના ખ્યાતનામ કુસ્તીબાજ પહેલવાન સંગ્રામસિંહ તેમનાં પત્ની અને જાણીતા અભિનેત્રી પાયલ રોહતગી સાથે રાજભવન ખાતે મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ કોરોના વોરિયર્સની સેવાને બિરદાવવાના આ અભિયાનમાં તેમનું પણ સ્વાગત કર્યું હતું.

(7:26 pm IST)