ગુજરાત
News of Tuesday, 20th April 2021

અમદાવાદના કૃષ્ણનગરમાં ભરબપોરે વેપારીને ટક્કર મારી રિક્ષામાં સવાર લૂંટારુઓ 4.85 લાખ ભરેલ બેગ લઇ રફુચક્કર

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક લૂંટની ઘટના બની છે. ભરચક વિસ્તારમાં દિન દહાડે બનેલી આ ઘટનામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વેપારીને ટક્કર મારી રિક્ષામાં આવેલા શખ્સો 4.85 લાખ ભરેલો થેલો લૂંટી ભાગ્યા હતા. વેપારી રોડ પરથી ઉભા થઇ રિક્ષા પાછળ દોડ્યા અને રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. 30 ફૂટ સુધી ઢસાડાયા બાદ શખ્સોએ ફેંટો મારતા લૂંટારુઓ નાસી ગયા હતા. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. નાના ચિલોડા પાસે સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા પ્રતિક ભાઈ પટેલ દહેગામ પાસે ઝાક જીઆઇડીસીમાં હાર્ડવેર મેનીફેક્ચરનો ધંધો કરે છે. સોમવારે સવારે તેઓ તેમનું વાહન લઈ દરિયાપુર ઉઘરાણી માટે ગયા હતા. ત્યાંથી વેપારી પાસેથી ત્રણ લાખ લઈ તેઓ બાપુનગર ડાયમંડ માર્કેટ પાસે આંગડિયા પેઢીમાંથી 40 હજાર લઈ કૃષ્ણનગર જી.ડી હાઈસ્કૂલ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક રિક્ષા ચાલકે પ્રતિકભાઈના એક્ટિવાને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. રિક્ષામાંથી બે લોકો ઉતર્યા અને એક શખ્સે રિક્ષા સાઈડમાં ઉભી રાખી હતી. આ બે લોકોએ પ્રતિકભાઈને ઉભા કરી તેમના એક્ટિવાની ચાવી લીધી અને રિક્ષામાં બેસી ત્રણેય ભાગવા લાગ્યા હતા. આ શખ્સોએ એક્ટિવા આગળ રોકડા ભરેલી બેગ પણ લઈ લીધી અને ભાગવા લાગ્યા હતા. બાદમાં પ્રતિકભાઈ ઉભા થઇ રિક્ષા પાછળ દોડ્યા અને આશરે ત્રીસેક ફૂટ સુધી રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. પણ આ શખ્સોએ પ્રતિકભાઈને ત્રણ ચાર ફેંટો મારતા તેઓને ઇજા થતાં આ શખશો 4.85 લાખ રોકડા લૂંટી મેમકો તરફ ભાગી ગયા હતા. જેથી પ્રતિકભાઈએ આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:27 pm IST)