ગુજરાત
News of Tuesday, 20th April 2021

લક્ષણો જણાય તે દિવસથી જ આઈસોલેટ થઈ જવુ જોઈએ

તાવ આવે તો તુરંત ડોકટરનો સંપર્ક કરો, દર્દીએ ૮ થી ૧૦ કલાક ઉંઘ લેવી જોઈએ

ગાંધીનગરઃ. રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના કારણે દરેક સોસાયટી-ફલેટ, પોળમાં દર્દી હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ હોસ્પીટલમાં બેડ ન હોવાથી કે હળવા પ્રકારના લક્ષણ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. કોરોનાનો નવો સ્ટ્રેઈન મહત્તમ ઈન્ફેકશન ફેલાવી શકતો હોવાથી જો વાયરલના કોઈપણ લક્ષણ જણાય તો અને કોરોનાના ટેસ્ટનું પરિણામ આવે તે પહેલા જ આઈસોલેશનમાં જતા રહેવા તબીબો સલાહ આપી રહ્યા છે. અન્યથા જો તેમા કોરોના પોઝીટીવ આવશે અને આઈસોલેશનમાં દર્દી નહી જઈ રહ્યા હોવાનું પણ તબીબોનું અવલોકન છે.

કોરોનાના સંખ્યાબંધ દર્દીઓ ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. તેમણે નવા સ્ટ્રેઈનને લઈને આઈસોલેશનમાં રહેતા કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અગત્યની છે. સિનીયર ફિઝીશીયન ડો. પ્રવીણ ગર્ગના કહેવા મુજબ કોરોના ટેસ્ટનો રીર્પોટ પોઝીટીવ આવે ત્યારથી નહીં, પરંતુ લક્ષણો જણાય ત્યારથી જ કોરોનાનો પ્રથમ દિવસ છે તેમ સમજીને આઈસોલેશનમાં રહેવુ જોઈએ. મોટાભાગે શરૂઆતના દિવસમાં તાવ આવે તો ડોલો લઈને કે શરદી-ખાંસી, ડાયેરિયા હોય તો જાતે દવા લઈને તેને મટાડી દેવાના લોકો પ્રયાસ કરતા હોય છે.

આ વાયરલના લક્ષણોને ગંભીરતાથી લઈને તે સમયથી જ જો દર્દી ચૂસ્ત આઈસોલેશનમાં જતા રહેશે તો કમસે કમ ઘરના બીજા દર્દીને હોય છે તેનાથી પણ બચવુ જરૂરી છે. જે દર્દી કોરોના પોઝીટીવ આવી ગયા છે અને હોમ આઈસોલેશનમાં છે તેમને કઈ બાબતે હાલના સમયે તકેદારી રાખવી તે અંગે ડો. ગર્ગના કહેવા મુજબ તાવનું પ્રમાણ ૧૦૧થી વધે તો તુરંત તબીબનો સંપર્ક કરીને તેમની સલાહ મુજબ સારવાર કરાવવી જરૂરી છે.

હાલની સ્થિતિમાં ઓકિસજનનું પ્રમાણ પણ ૯૩થી નીચે સતત રહે નહીં તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. આઈસોલેશનમાં કેટલાક દર્દીઓ સતત મોબાઈલ, લેપટોપ કે ટીવી જોવામાં ઉજાગરા પણ કરતા હોય છે. કોરોનાના આ માહોલમાં મેન્ટલ હેલ્થ ઈમ્યુનિટી બુસ્ટઅપ થાય તે પણ એટલું જ જરૂરી છે અને તેના માટે ઓછામાં ઓછા ૮ થી ૧૦ કલાક દર્દી ઉંઘ લે તે પણ આવશ્યક છે.

(3:11 pm IST)