ગુજરાત
News of Tuesday, 20th April 2021

અમદાવાદ મેડિકલ એસોસીએશનનું નિવેદન

કોરોનાની ચેઈન તોડવા ૧૫ દિવસનું લોકડાઉન ખૂબ જરૂરી

અમદાવાદ, તા.૨૦: કોરોનાના કેસો ગંભીર રીતે વધી રહ્યા છે, આ સ્થિતિમાં સરકાર નવા બેડની સવલતો કરી રહી છે, નવા ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરી રહી છે, પણ ડોકટરો સહિતના નવા એકસપર્ટ સરકાર કયાંથી લાવશે એ મોટો સવાલ છે, હકીકતમાં કોરોના વાયરસને રોકવા માટે સરકારે હવે કમસેકમ ૧૫ દિવસનું લોકડાઉન લાદવું જોઈએ, ગમે તે સંજોગોમાં કોરોનાની આ ચેઈન તોડવી ખૂબ જરૂરી છે, તેમ તબીબી આલમ સાથે સંકળાયેલા નિષ્ણાતો જણાવી રહ્યા છે.

 

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વર્તમાન પ્રમુખ ડો. કિરીટી ગઢવીએ જણાવ્યું કે, કોરોનાની ચેઈન તોડવા માટે કમસેકમ ૧૫ દિવસનું લોકડાઉન લાદવું જોઈએ, બે ત્રણ દિવસ કે પાંચ-છ દિવસના લોકડાઉનથી આ ચેઈન તૂટવાની નથી, કોવિડના દર્દીઓને સારવાર મળે તે જરૂરી છે. અમે વેપારીઓને પણ બંધ રાખવા વિનંતી કરી છે અને અડધા સ્ટાફથી કામ ચલાવવા માટે આગ્રહ કર્યો છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે કહ્યું કે, સરકારે લોકડાઉન લાદવું જ જોઈએ. સરકાર અત્યારે બેડની સંખ્યા વધારી રહી છે, આના કરતાં વધુ જરૂર સંક્રણને રોકવાની છે, કોઈ પણ હિસાબે લોકો ભેગા ન થાય તે માટે લોકડાઉન લાદવું જોઈએ, સરકાર નવા બેડ સાથેની સવલતો કરશે પણ નવા એકસપર્ટ કયાંથી લાવશે? કઈ રીતે તેમની સારવાર થશે? ઉલટાના કેસ બગડશે.

કોરોનાની ચેઈન તોડવા માટે લોકોને ભેગા થતાં રોકવા એ જ ઉપાય છે. ડોકટરો અને સ્ટાફ પણ લાંબા સમયથી સતત કામ કરીને થાકયો છે, અત્યારે જે ગતિએ કેસ વધી રહ્યા છે ત્યારે વિશ્વયુદ્ઘ જેવી સ્થિતિ છે, અમે એ પણ સમજીએ છીએ કે આર્થિક રીતે મોટો ફટકો પડશે, જોકે ન્યુટન્ટ વાયરસ તૂર્ત ફેફસાંમાં ઊતરી રહ્યો છે અને તે સ્થિતિમાં દર્દીની હાલત ગંભીર થઈ રહી છે. એટલે સરકારે લોકડાઉન લાદવું જોઈએ.

(10:24 am IST)