ગુજરાત
News of Tuesday, 20th April 2021

કોરોનાની વિકટ પરિસ્થિતિ ભાજપ દ્વારા શ્રી કમલમમાં હેલ્પલાઇન શરૂ

પ્રદેશ યુવા મોરચા દ્વારા મંડલ સહ નમો કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઊભું કરાશે: 15થી 20 બેડની સુવિધા હશે.:20થી 30 એપ્રિલ દરમિયાન યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે: 27 એપ્રિલના રોજ યુવા મોરચા દ્વારા પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન

કોરોના ઉત્તરોત્તર વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. આ કોરોનામાં સપડાયેલા દર્દીઓને બેડથી માંડીને ઇન્જેકશન તથા ઓકસીજનની સમસ્યા મહંદ્અંશે જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શથી શ્રી કમલમમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનનો નંબર 079-23276944 હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પ ડેસ્ક કોલનું પ્રદેશ મહામંત્રી રજની પટેલે ઉદ્દઘાટન કર્યું હતું.

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુવા મોરચા દ્વારા શરૂ કરાવેલી હેલ્પલાઇન નંબર પર જે પણ જરૂરિયાતમંદ લોકોનો ફોન આવશે તેમની સમસ્યાઓ જાણી જે તે જિલ્લામાં તે સમસ્યાઓને ફોરવર્ડ કરી શક્ય તેટલું મદદરૂપ થઇ શકાય તે પ્રકારના પ્રયત્ન હાથ ધરાશે. યુવા મોરચાનો કાર્યકર્તા આ કામ માટે તત્પર છે.

પ્રદેશ યુવા મોરચા દ્વારા મંડલ સહ નમો કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઊભું કરાશે. જેમાં 15થી 20 બેડની સુવિધા હશે. સામાન્ય લક્ષણો ધરાવનારા દર્દીઓ તે કોવિડ સેન્ટરમાં કવોરોન્ટાઇન થઇ શકે તે પ્રકારનું આયોજન હાથ ધરાશે. તા.20મી એપ્રિલથી 30મી એપ્રિલ દરમિયાન યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરાશે. જયારે 27મી એપ્રિલના રોજ દરેક જિલ્લામાં મંડલ સહ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, પ્રદેશ યુવા મોરચા દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક બુથમાં 4,5 કાર્યકર્તાઓની ટીમ બનાવી ઘરે ઘરે માસ્ક તથા સેનેટાઇઝર વિતરણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.

(12:03 am IST)