ગુજરાત
News of Saturday, 20th April 2019

આશા પટેલ, બ્રીજેશ પટેલના વિડિયોથી રાજકીય ગરમી વધી

હાર્દિક પટેલના ફેકટરને ઠંડુ પાડવાના કારસા : આશા પટેલે સમગ્ર મામલે હાથ ઉંચા કરી દીધા : વિપક્ષી કોંગ્રેસ દ્વારા ઓડિયો કલીપને લઇ ન્યાયિક તપાસની માંગ

અમદાવાદ,તા. ૨૦ : પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા ૧૪ યુવાનોના પરિવારના સભ્યોને નોકરી અપાવવાની અને હાર્દિક પટેલના ફેક્ટરને ટાઢું પાડી દેવા માટે બ્રિજેશ પટેલને રૂ. ૫૦ લાખ કરતાંય વધુ રકમની ઓફર કરતો આશા પટેલ અને બ્રિજેશ પટેલની વાતને રજૂ કરતાં ઓડિયો આજે સોશિયલ મિડીયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. જો કે, આશા પટેલે સમગ્ર મામલે હાથ ઉંચા કરી દીધા છે, તો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સમગ્ર ઓડિયો કલીપને લઇ ન્યાયિક તપાસની માંગ કરાઇ છે. આશા પટેલ અને બ્રીજેશ પટેલના આ ઓડિયોકલીપને લઇ ભારે વિવાદ ગરમાયો છે, ખાસ કરીને પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ઊંઝા વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા આશા પટેલના ઊંઝા ખાતેના મકાનમાં ગત તા.૪થી એપ્રિલે ૧૧ વાગ્યાના અરસામાં આ ચર્ચા થઈ હોવાનો ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ડો.આશા પટેલ અત્યારે ઊંઝા વિધાનસભાના મતવિસ્તારની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કમુ પટેલ સામે લડી રહ્યા છે. તેઓ અત્યારે નારણ લલ્લુ અને અન્ય ભાજપના નેતાઓના વિરોધ વચ્ચેય વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે ટિકીટ મેળવવામાં સફળ રહ્યા છે. આમ નારણ લલ્લુ પટેલ અને તેમના સમર્થકો ઉપરાંત પાટીદારોના હિત સાથે સમાધાન કરતાં હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં પાટીદારોમાં પણ તેમની ઇમેજમાં ધક્કો લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  ભાજપના બનાસકાંઠાના નેતાના કહેવાતા ઇશારો પાટીદારો પર દમનનો કોરડો વીંઝવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરનાર આ ઓડિયો ક્લિપમાં આશા પટેલ સાથે વાત કરતાં બ્રિજેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના કાકા કનુભાઈ અંબાલાલ પટેલ પાટીદાર આંદોલનમાં શહીદ થયા હતા.  તેમના પરિવારના સભ્ય વિરોધ ન કરે તે માટે તેમના પરિવારના સભ્યને આર્થિક સહાય કરવાની ઓફર આશા પટેલે ઓડિયો ક્લિપમાં કરી હતી. તેમ જ તેમના પરિવારના સભ્યને આર્થિક સહાય કરાવીને ભાજપનો વિરોધ બંધ કરાવી દઈને મામલો થાળે પાડી દેવાની વાત કરી હતી.  તેમ જ શહીદ થયેલા અન્ય ૧૪ પાટીદાર યુવકોના પરિવારના સભ્યને નોકરી અપાવી દેવાની ઓફર આશા પટેલે કરી હોવાનું ઓડિયો ક્લિપિંગના સંવાદોમાં જણાઈ રહ્યું છે. તેમ જ બ્રિજેશ પટેલને રૂ. ૫૦ લાખ અથવા તો ૩૫-૩૫ લાખ મળીને ૭૦ લાખ કે પછી ૫૦ અને ૩૫ લાખ મળીને કુલ રૂ. ૮૫ લાખની ઓફર કરતા સંવાદો ઓડિયો ક્લિપમાં થઈ રહ્યા છે.  આ પૈસાનો ઉપયોગ હાર્દિકના પરિબળને શાંત કરી દેવા માટે કરવાની વાત કરવામાં આવી હોવાનું બ્રિજેશ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું. આ રીતે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા લોકોમાં ફૂટ પડાવીને સમગ્ર વિરોધને તિતરબિતર કરાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું બ્રિજેશ પટેલનું કહેવું છે. સમગ્રતયા બનાસકાંઠા, મહેસાણા અને ઊંઝાના પટ્ટામાં પાટીદારોનો વિરોધ શમાવી દેવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  બ્રિજેશ પટેલ સાથેની ઑડિયો ક્લિપ અને તેને પરિણામે ઊભા થયેલા વિવાદ અંગે ડો.આશા પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમને બ્રિજેશ નામનો યુવાન મળવા આવ્યો હતો અને આર્થિક સહાયની વાત કરી હતી. મેં તેને સીધી સહાય આપવાની વાત કરી નહોતી. સરકારમાં વાત કરીશ, કોઈ સહાય મળતી હોય તો કરાવી આપીશ એમ જણાવ્યું હતું. મેં તેની સાથે બીજા શહીદો અંગે વાત કરી નહોતી. આમ, હવે આ ઓડિયોકલીપને લઇ સમગ્ર વિવાદ ગરમાયો છે.

 

(9:42 pm IST)