ગુજરાત
News of Saturday, 20th April 2019

પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી: 10 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા

મહેસાણા: જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે ભરાયેલો ચુંવાળ પંથકનો ચાનક મઢ્યો ચૈત્રી પૂનમનો ભવ્ય લોકમેળો આજે હર્ષોલ્લાસ સાથે સુખરૃપ સંપન્ન થયો હતો. મેળામાં તંત્રના ૧૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાના અંદાજ સામે ગરમી અને ખેતી કામની સિઝનને લઈ ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે રાત્રે બહુચર માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.

યાત્રાધામ બહુચરાજીમાં આજે મા બહુચરના પ્રાગટય દિને મૈયાના દર્શન માટે ગઈ રાતથી જ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. બહુચરાજીને જોડતા મહેસાણા, કડી, પાટણ, વિરમગામ, સુરેન્દ્રનગર, હારીજ સહિત ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર હજારો ભક્તોની ભીડ જામી હતી અને ગુરુવારે સાંજથી શરૃ થયેલો ભક્તોનો પ્રવાહ શુક્રવારે માઈધામમાં ઠલવાયો હતો. દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં પહોંચી માના દર્શન કરતાં જ ભાવ-વિભોર બની મૈયાના જયજયકાર કરીમંદિર ગજવતા હતા. આજે દિવ્ય નજારો દિવસભર ચાલુ રહ્યો હતો. માના દર્શન કરી ભક્તોએ મેળાની મોજ માણી હતી. મેળાના મેદાનમાં ઊંચા ઊંચા ચકડોળ, ચકરડીઓ, ટોરાટોરા, મોતનો કૂવો સહિતના મનોરંજક સાધનોમાં બેસી લોકોએ ભરપુર આનંદ ઉઠાવ્યો હતો. જ્યારે ખાણી-પીણી બજાર ભરાયું હતું.

(6:00 pm IST)