ગુજરાત
News of Saturday, 20th April 2019

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાદરમાં મોબાઈલ છુપાવીને વાતચીત કરનાર બે આરોપી રંગે હાથે

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાદરમાં છુપાઈને મોબાઈલ પર વાતચીત કરતા કાચા કામના બે આરોપી ઝડપાયા હતા. રાણીપ પોલીસે બન્નેની ધરપકડ કરીને તેમની પાસેથી બે મોબાઈલ કબજે કર્યા હતા. સાબરમતી જેલમાં સીસીટીવી કંટ્રોલ રૃમમાં ઓપરેટર તરીકે જેલ આશિસ્ટંટ અજીતસિંહ ડી.વાઘેલા ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન સીસીટીવીમાં નવી જેલમાં સર્કલ યાર્ડ બેરેક નંબર૩-૧માં કાચા કામના બે આરોપી ચાદર ઓઢીને મોબાઈલ પર વાતચીત કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આથી જેલના સ્ટાફે આ બેરેકમાં જઈને બન્ને આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી બે એન્ડ્રોઈડ મોબાઈલ કબજે કર્યા હતા. કાચા કામના આ આરોપીઓમાં વિજય ડી.પરમાર અને અબ્બાસ યુ.કચરાનો સમાવેશ થાય છે. પુછપરછમાં વિજયે આ મોબાઈલ પોતાનો હોવાનું તથા અબ્બાસે તેની પાસેનો મોબાઈલ વિજયે આપ્યો હોવાની કબુલાત કરી હતી.

(5:53 pm IST)