ગુજરાત
News of Saturday, 20th April 2019

ભાજપ ડરી ગયુ છે, હતાશ થઇ ગયુ છે, સત્તા ટકાવવા ગુંડાગીરીભરી વાતો કરે છેઃ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

અમદાવાદ :હાર્દિક પટેલને તમાચો પડતાં રાજકારણ ગરમાયું છે. સુરેન્દ્રનગર ખાતેની જન આક્રોશ રેલીમાં તરૂણ મિસ્ત્રી નામના શખ્સે એકાએક સ્ટેજ પર આવી હાર્દિક પટેલને લાફો ઝીંકી દેતાં ખળભળાટ મચી ગયો હતો. ઉપસ્થિતોએ આ યુવકને પકડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. હાર્દિક પર થયેલા હુમલા બાદ તરત કોંગ્રેસે પ્રેસ કોન્ફરસ સંબોધી હતી. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ભાજપ પર આરોપ મૂકતા કહ્યું કે, ભાજપ પ્રેરિત અને ભાજપના સાંસદ અને નેતાઓ સાથે ઘરોબો ધરાવતા વ્યક્તિએ હાર્દિક પટેલ પર હુમલો કર્યો છે.

મનીષ દોશીએ કહ્યું કે, ભાજપ ડરી ગયુ છે. હતાશ થઈ ગયું છે. તે હેમખેમ પ્રકારે પોતાની સત્તા ટકાવવા માંગે છે. ભાજપના નેતાઓ પણ ગુંડાગીરીભરી વાતો જાહેરસભામાં કરે છે. મધુ શ્રીવાસ્તવ, રમેશ કટારાની ગુંડાગીરી બધાએ જોઈ લીધી છે. તો ભાજપના પ્રદેશ અધ્યશ જીતુ વાઘાની, મુખ્યમંત્રી, કુંવરજી મતદાતાઓને ડરાવવા ધમકાવવાની વાત કરે છે. આ બાબત દર્શાવે છે કે, તેમના ઉમેદવારોને ભાગવુ પડી રહ્યું છે. 

હાર્દિક પર હુમલા અંગે કહ્યું કે, હાર્દિક પર જુદી જુદી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. ભાજપ ગુંડાગીર્દીનો આશરો લઈ રહી છે. વૈમન્સ્ય ફેલાવીને સત્તા તો મેળી લીધી છે, પણ ગુંડાગીરી કરીને સત્તા ટકાવી રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ છે. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ ઝીંકી લાફો ઝીંકી દીધો છે. ત્યારબાદ સભામાં છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ બધુ ભાજપના ઈશારે થયું છે. ભાજપના ઈશારે કોંગ્રેસ પર હુમલો કરાયો છે અને ભાજપના લોકો ડરાવવા માટે આવું કરી રહ્યાં છે.

પાસ કન્વીનર મનોજ પનારાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો કે, હાર્દિક પટેલની હત્યા કરાવવાનું કાવતરુ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં આ શખ્સ ભાજપનો જ નીકળશે. અમે જલ્દીમાં જલ્દી માંગ કરીએ છીએ કે, હાર્દિકને સુરક્ષા આપવામાં આવે. તેના પર જીવનું જોખમ છે. પણ, સરકાર તેને સુરક્ષા કે કમાન્ડો નથી આપતી. જો હાર્દિક ભાજપમાં જોડાયો હોત તો ભાજપે તેનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હોત, પણ તે કોંગ્રેસમાં જોડાયો છે તેથી તેના પર આવુ કરવામાં આવી રહ્યું છે. આ એક હુમલા પ્રચકારની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, કોંગ્રેસ એક પાર્ટી છે હવે હાર્દિક પટેલે રાજકીય પાર્ટીનો હાથ પકડ્યો છે અને હવે એ સામાજિક આંદોલનનો ભાગ નથી રહ્યો. હવે એ રાજકીય પાર્ટીનો ભાગ છે એટલે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરવો એ સ્વાભાવિક છે. પ્રચાર વખતે એમાં અડચણ કરવી એ ખોટું છે. જે કંઇ પણ એ ખોટું છે.

(5:08 pm IST)