પલસાણાના દસ્તાનની સીમમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલક પર વ્હીલ ફરી વળ્યું
પલસાણા :તાલુકાના દસ્તાન ગામની સીમમાં પૂરઝડપે જતી ટ્રકના ચાલકે આગળ ચાલતી બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે જણા રોડ પર પડતા બાઇક ચાલક આધેડના માથા અને છાતી પરથી ટ્રકનું વ્હીલ ફરી જતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. બારડોલી ખાતે પરિશ્રમપાર્ક ખાતે આવેલી ચામુંડા હોટલ પર ગતરોજ સુરતથી દિપચંદ ભાવાજી પુરોહિત (ઉ.વ. ૫૫) આવેલા હતા. આજે ગુરૃવારે સવારે દીપચંદ પુરોહિત પોતાની હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક (નં. જીજે-૧૯-એઇ- ૩૮૧૬) પર નારાયણ કેશાજી ધારીને બેસાડી સુરત ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન બારડોલીથી કડોદરા જતા રોડ પર દસ્તાન ગામની સીમમાં બાઇકની પાછળ પૂરઝડપે આવેલી ટ્રક (નં. જીટીટી- ૭૧૭૨)ના ચાલકે ટક્કર મારતા બાઇક સવાર દિપચંદ પુરોહિત અને નારાયણ ધારી રોડ પર પટકાયા હતા અને અકસ્માત કરનાર ટ્રકનું વ્હીલ દીપચંદ પુરોહિતના માથા તથા છાતી પરથી ફરી જતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે નારાયણ ધારીને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માતના બનાવ અંગે ચામુંડા હોટલના માલિક ધનરાજ પુરોહિતના પુત્ર ખેતારામે ટ્રકચાલક વિરૃદ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.