ગુજરાત
News of Friday, 20th April 2018

છેલ્લા અઠવાડિયાથી બનાસકાંઠાના કેટલાય ગામોમાં પાણી માટે વલખા મારી રહેલા લોકોની તંત્રને ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી

બનાસકાંઠા: હાલમાં પડી રહેલી આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને જ્યારે અઠવાડિયાથી પાણી મળતું નાં હોય ત્યારે તે શું કરે?? આવીજ હાલત બનાસકાંઠાના છેવાડાના ગામોમાં રહેતા લોકોની થઈ છે, અને પાણીની કારમી તંગીથી કંટાળીને અહીના રહેવાસીઓએ તંત્ર સામે બાંયો ચડાવી છે અને આ મામલે સરકાર તાત્કાલીક કઈ નહી કરે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઈગામ અને રડોસણ જેવા ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી નથી મળી રહ્યું. જેને લઈને લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. મહત્વનું છે કે રડોસણ ગામ 2200ની વસ્તી ધરાવતુ ગામ છે. અને અહિં વૃદ્ધો, મહિલાઓ અને યુવાનોને પાણી માટે છેક 2-2 કિલોમીટર દુર જવુ પડી રહ્યું છે. અને પાણી માટે પડાપડી કરવી પડી રહી છે.
અહીં લોકો ટ્રેક્ટર અને બળદગાડામાં પાણી ભરીને જાય છે. તો વળી કેટલાક લોકો 2-2 કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા માટે જાય છે. જેને લઈને લોકોના હાલ બેહાલ થયા છે. છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન મળતા લોકોએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માગ કરી છે. અને જો તાત્કાલિક વ્યવસ્થા નહિં કરવામાં આવે તો ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે.
મહત્વનું છે કે,  ગામમાં માત્ર એક જ પાણી કનેક્શન છે. જ્યાંથી લોકો પીવાનું પાણી મેળવે છે. બાકી ગામમાં પાણી માટેનું બીજુ કોઈ કનેક્શન નથી. જેથી દૂર દૂર સુધી લોકોને જવુ પડી રહ્યું છે. આમ સમગ્ર રાજ્યમાં પાણી માટે પોકાર ઉઠી રહ્યા છે.
ઉલ્લેનિય છે કે એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. જ્યારે બીજી તરફ ગુરૂવારે થરાદમાં જૂની માર્કેટમાં પાણીની ટાંકી ઓવરફ્લો થતાં ભરઉનાળે પાણીનો વ્યય જોવા મળ્યો હતો. તંત્રની બેદરકારીને કારણે હજારો લિટર પાણી વેડફાયું ગયું.  નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ પણ જાતનાં પગલાં લેવામાં આવ્યાં ન હતાં. જેથી તંત્રની બેદરાકારીના કારણે લોકને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવુ પડી રહ્યું છે.
આમ રાજ્યમાં ઉનાળાનો તાપ વધી રહ્યો છે, એની સાથે સાથે અનેક શહેરો અને ગામડાંઓમાં પાણીની તંગી વર્તાવા લાગી છે. અનેક ગામડાઓમાં તો દૂર દૂર સુધી ચાલીને જઈએ ત્યારે પાણી મળે છે. અનેક વિસ્તારોમાં તંત્રની બેદરકારીને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે. અનેક જગ્યાએ પાણીની પાઈપલાઇન તૂટી જવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ કરાવતું નથી અને હજારો લિટર પાણીનો વેડફાટ-વ્યય થઈ જાય છે.

 

(1:09 pm IST)