ગુજરાત
News of Friday, 20th April 2018

અનેક ગુન્હેગારોની રીમાન્ડ લેનારા પીઆઈ અનંત પટેલની રીમાન્ડ લઈ 'મ્હોં' ખોલાવાશે

સીબીઆઈ ઓફિસર-એસપી-પૂર્વ ધારાસભ્ય-મુંબઈથી કરોડો રૂપિયા અમદાવાદ લાવનાર વહીવટદારોની ભૂમિકા પરથી પડદો ઉંચકવા માટે સીઆઈડી હેડ કવાર્ટરમાં ભારે ધમધમાટઃ સીઆઈડી વડા આશિષ ભાટીયાની આકરી પૂછપરછમાંથી અનંત પટેલને બચાવવા સૌ પ્રથમ અન્યત્ર સ્થાનિક પોલીસે પૂછપરછ કર્યાની ભારે ચર્ચાઃ સરકારી રીવોલ્વરનો કબ્જો લેવા માટે સીઆઈડી ટીમ રવાનાઃ અનંત પટેલના મોબાઈલમાંથી જ બીટકોઈન ટ્રાન્સફર થયાની ચર્ચાનું રહસ્ય ખોલવા અનંત પટેલના બે મોબાઈલ એફએસએલમાં મોકલાયા

રાજકોટ, તા. ૨૦ :. સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટ તથા તેના ભાગીદારનું અપહરણ કરી ગાંધીનગર નજીક કેશવ ફાર્મમાં ગેરકાયદે ગોંધી રાખી કરોડોના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુજરાતભરમાં ચકચારી બનેલ મામલામાં ફરારી બનેલા અમરેલી પીઆઈ અનંત પટેલ અંતે ઝડપાઈ ગયા છે. ગુન્હેગારો માફક પોતાની ઓળખ છૂપાવવા માટે માથે મુંડન કરી કેપ ચડાવનાર અનંત પટેલનો સીઆઈડી એ કબ્જો લઈ અનેક ગુન્હેગારોની રીમાન્ડ લેનારા પીઆઈ અનંત પટેલની રીમાન્ડ મેળવવા સીઆઈડી હેડ કવાર્ટરમાં સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં ભારે ધમધમાટ ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.

રહસ્યમય સંજોગોમાં અડાલજ નજીકથી એક મિત્ર સાથે ઝડપાયેલ પીઆઈ અનંત પટેલને તાત્કાલીક સીઆઈડીને કબ્જો સોંપવાને બદલે કલાકો સુધી જે પુછપરછ થઈ તે બાબતે પણ અનેક ચર્ચાઓએ જોર પકડયુ છે. એક એવી ચર્ચા પણ ચાલે છે કે, પીઆઈ અનંત પટેલ જો સીધે સીધા આશિષ ભાટીયાના હાથમાં આવે તો તેઓ તમામ બાબતો કુશળતાથી બહાર લાવી શકે. જે બાબત ઘણા ઈચ્છતા ન હતા. જો કે સીઆઈડી વર્તુળો આ બાબતને હસતા હસતા ઈન્કાર કરતા જણાવે છે કે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હોવાથી તેઓએ જ સ્વભાવિક પૂછપરછ કરી હતી.

અનંત પટેલને રીમાન્ડ પર લઈ સીઆઈડી અધિકારીઓ જે બાબત જાણવા માગે છે તેમા સરકારી રીવોલ્વર હાલમાં તેઓએ જણાવેલ છે તે જગ્યાએ જ છે કે કેમ ? જો કે સીઆઈડી ટીમ એ સરકારી રીવોલ્વરનો કબ્જો મેળવવા દોડી ગઈ છે. સીબીઆઈના એક ઈન્સ્પેકટરે બીટકોઈન મામલામાં શરૂઆતમાં જે ભૂમિકા ભજવી તે બાબતે ખરેખર તથ્ય શું છે ? અમરેલી એસપીની આ મામલે કહેવાતી ભૂમિકા તથા એક પૂર્વ ધારાસભ્ય સામેના આરોપો મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા સીઆઈડી ટીમો સક્રીય બની છે.

અત્રે યાદ રહે કે, સરકારી રીવોલ્વર સાથે બ્લેક કલરની સફારીમાં નાસેલા એવા પીઆઈ અનંત પટેલે નાસતા સમયે સરકારી કવાર્ટરમાંથી જરૂરી દસ્તાવેજો મેળવ્યા પરંતુ ઉતાવળમાં લોક કરવાનું ભૂલી ગયા હતા. ધારીના જંગલમાં સફારી કાર તેઓ કયાંથી મુકવા આવ્યા ? આ બાબતે તેને કોણે મદદ કરી? સફારી કાર છોડયા બાદ તેઓ કયા વાહનમાં કયા નાસેલા ? તે બાબતો પરથી સીઆઈડી પડદો ઉંચકવા માગે છે.

ફરારી પીઆઈ અનંત પટેલ પાસેથી જે બે મોબાઈલ કબ્જે કરાયા છે તેની કોલ ડીટેઈલ્સ મેળવવા સાથે કરોડો રૂપિયાના બીટકોઈન આ મોબાઈલમાથી જ ટ્રાન્સફર થયાની ચર્ચા બાબતે પણ કોઈ શંકા-કુશંકા ન રહે તે માટે અનંત પટેલના મોબાઈલો એફએસએલમાં ચકાસણીમાં મોકલવાનો નિર્ણય થયો છે. અનંત પટેલની ધરપકડ સમયે તેની સાથે રહેલા હિતેશ નામના મિત્રને પણ પોલીસે ઉઠાવી અનંત પટેલ સાથે કયારથી સંપર્કમાં છે ? તે બીજુ શું શું જાણે છે? તે તપાસ પણ એક ટીમ કરી રહી છે.

અત્યાર સુધી જાતે વેશપલ્ટો કરી અનેક ગુન્હેગારોને ઝડપી પોતાની આગવી સ્ટાઈલથી રીમાન્ડ પર લેનારા અનંત પટેલ ગુન્હેગારોની માફક જાતે પોલીસથી બચવા માટે વેશપલ્ટો કરી અને પોલીસના હાથે જ ગુન્હેગારોની જેમ ઝડપાઈ જતા કિસ્મત કયારે કરવટ લે છે તેનુ આ શ્રેષ્ઠ ઉદાહરણ પોલીસના નિષ્ઠાવાન સ્ટાફ ગણાવી રહ્યા છે.

(11:58 am IST)