ગુજરાત
News of Monday, 20th March 2023

અમદાવાદના વિશાલા સર્કલ પાસે AMTS ની બસ બની બેફામ :રિક્ષા સહિતના વાહનોનો અડફેટે લીધા

બસની ટક્કર વાગતા ટેમ્પો આડો થઈ ગયો અને ત્યાં ઉભેલી રિક્ષાની છત પણ તૂટી ગઈ તેમજ પાસે ઉભેલી બે કારને પણ નુકસાન: અકસ્માતમાં એક બાળકી તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા

અમદાવાદમાં જુહાપુરા અને ગુપ્તાનગરની વચ્ચે આવેલા વિશાલા સર્કલ પાસે મોટી જાનહાનિ ટળી હતી. બપોરના સમયે AMTSની એક બસે ધડાધડ વાહનોનો અડફેટે લીધા હતા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં એક બાળકી તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વિશાલા સકર્લથી પસાર થતી AMTSની બસ પૂરપાટ ઝડપે આવી હતી અને લોડિંગ ટેમ્પો તેમજ રિક્ષા સહિતના વાહનોનો ઝપેટમાં લીધા હતા. દુર્ઘટના બાદ ઘટનાસ્થળના વીડિયો પણ વાઈરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે બસની ટક્કર વાગતા ટેમ્પો આડો થઈ ગયો હતો અને ત્યાં ઉભેલી રિક્ષાની છત પણ તૂટી ગઈ હતી. તેમજ પાસે ઉભેલી બે કારને પણ નુકસાન થયું છે.

(8:48 pm IST)