ગુજરાત
News of Friday, 20th March 2020

અમદાવાદ સ્ટેશન પર ૨૪ કલાક સ્ક્રિનિંગની શરૂઆત

રેલવે ટિકિટ પર કન્સેશનને રદ કરવાનો નિર્ણય : સાવચેતીરૂપે પ્લેટ ફોર્મ એક ઉપર હેલ્થ ડેસ્કની શરૂઆત ૨૪ કલાક માટે ડોક્ટરો તૈનાત : ૧૦ અન્ય ટ્રેનો રદ થઈ

અમદાવાદ, તા. ૨૦ : કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે રેલવે દ્વારા પણ અનેકનિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પણ વિશેષ વ્યવસ્થા હેઠળ હવે ૨૪ કલાક માટે થર્મલ સ્ક્રિનિંગ ગન દ્વારા યાત્રીઓની સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ લક્ષણવાળા યાત્રીઓની જાણકારી રેલવે વહીવટીતંત્રને આપવામાં આવ્યા બાદ તેમની મેડિકલ ચકાસણી થશે. રેલવે બોર્ડે ૨૦મી માર્ચથી ટિકિટમાં મળનાર છુટછાટને પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, દિવ્યાંગો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને મળનાર છુટછાટ યથાવત રહેશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર છેલ્લા પાંચ દિવસમાં ટિકિટ બુકિંગમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

        કોરોના વાયરસથી બચવા માટે વિભાગો દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર થર્મલ સ્ક્રિનિંગ ગન દ્વારા તાપમાનની તપાસ કરવામાં આવી રહી છે. પ્લેટફોર્મ નંબર હેલ્થ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. ડિસ્પ્લે કાર્ડ અને એનાઈડસમેન્ટ કાર્ડ દ્વારા યાત્રીઓની માહિતી આપવામાં આવશે. અમદાવાદ રેલવે મંડળના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ કહ્યું છે કે, અમદાવાદ રેલવે સ્ટેશનથી દરરોજ ૨૦૦ ટ્રેનો પસાર થાય છે. સાવચેતી જરૂરી બની છે. ૨૪ કલાક માટે તબીબોની ટીમ પણ તૈનાત કરાઈ છે. આ ટીમ શરદી, ખાંસીવાળા દર્દીઓને હેલ્થ ડેસ્ક પર લઇ જશે જ્યાં તેમને ખાસ સૂચના અપાશે. આજે બીજી ૧૦ ટ્રેનો રદ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં પશ્ચિમ રેલવેની ૨૬ ટ્રેનો રદ કરાઈ છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન ૩૧મી માર્ચ સુધી રદ કરવામાં આવી છે. વારાણસી-ઇન્દોર અને ઇન્દોર-ઉદયપુર સહિત ૧૦ ટ્રેનોને રદ કરાઈ છે. પ્લેટફોર્મ ટિકિટ ૫૦ કરાતા પ્લેટફોર્મ પર સન્નાટો જોવા મળે છે.

(9:40 pm IST)