ગુજરાત
News of Friday, 20th March 2020

સોના-ચાંદીની દુકાનો પણ અમદાવાદમાં બંધ થઇ છે

ગુજરાતના વેપારીઓમાં કોરોનાનો ફફડાટ : આજથી અચોક્કસ મુદ્દત સુધી કામકાજને બંધ રાખવાનું કરાયેલું એલાન : માણેકચોક દુકાનો ત્રણ દિન માટે બંધ

અમદાવાદ,તા.૨૦  : સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસની જીવલેણ બિમારીના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં પણ હવે કોરોના વાઇરસના પોઝીટીવ કેસો એક પછી એક વધવાની સાથે ગંભીર રીતે સામે આવી રહ્યા છે ત્યારે આ જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાતના વેપારી-ઔદ્યોગિક સંગઠનોએ બેથી ત્રણ દિવસ તો કોઇકે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી વેપાર-ધંધા અને કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ ઇમિટેશન અને ગોલ્ડ ર્ફોમિંગ જ્વેલરી એસોસીએશન દ્વારા આવતીકાલે તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૦, શનિવારથી અચોક્કસ મુદ્દત સુધી કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે એસોસિએશનની બેઠક યોજાઇ હતી, જેમાં સર્વાનુતમે વેપારીઓએ પોતાનો વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એસોસીએશનના પ્રમુખ સંજયભાઇ સોનીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસથી બચવા માટે અમે અમારા તમામ સભ્યો-વેપારીઓને આવતીકાલે તા.૨૧ માર્ચ, શનિવારથી અચોક્કસ મુદત્ત સુધી કામકાજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

                આ સાથે વેપારીઓને આ રજા દરમિયાન કર્મચારીઓનો પગાર નહી કાપવા અપીલ કરી છે. બને તો કર્મચારીઓને અન્ય રીતે મદદરૂપ થવાનો પણ પ્રયાસ કરાશે. નોંધનીય છે કે, અમદાવાદ ઇમિટેશન અને ગોલ્ડ ર્ફોમિંગ જ્વેલરી એસોસિએશનમાં દરરોજ લગભગ રૂ.૪૦થી ૫૦ લાખનું ટર્નઓવર થાય છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી અમદાવાદના માણેકચોક સોના-ચાંદી વેપારી મહાજન સંગઠને પણ શનિવારથી ત્રણ દિવસ સોમવાર સુધી તમામ કામકાજ બંધ રાખીને સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે અમદાવાદના માણેકચોક ચોક્સી મહાજન અને અમદાવાદ જ્વેલર્સ એસોસીએશનની બેઠક યોજાઇ હતી, જેમાં તારીખ ૨૧ માર્ચ, શનિવારથી તા.૨૩ માર્ચ સોમવાર સુધી અમદાવાદના તમામ જ્વેલર્સોને કામકાજ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જેથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય. આમ, કોરોના વાઇરસની અસરને લઇ રાજયભરના વેપારીઓમાં પણ  ફફડાટ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

(8:36 pm IST)