ગુજરાત
News of Friday, 20th March 2020

૫૫૯ પ્રવાસી પૈકીના ૬૩ને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે

બે દિવસમાં તંત્ર દ્વારા અસરકારક કામગીરી : ક્વોરેન્ટાઈન માટે કોરોના શકમંદોને બે પ્રકારની સુવિધાની ઓફર : વધુ લોકોને ક્વોરેન્ટાઈનમાં પહોંચાડાઈ શકે છે

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે આવેલા ૫૫૯ ટ્રાવેલર્સમાંથી ૬૩ની સ્થિતિ શંકાસ્પદ જણાતા તેમને ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ ક્વોરેન્ટાઈનમાં રખાયા હોવાનું આરોગ્ય કમિશનર સુશ્રી જયંતિ રવિએ કહ્યું હતું. જો કે, આ સંખ્યા હજુ વધી શકે તેમ છે. તેમણે ઉમેર્યું હતું કે, આમાંથી ૪૯૨ ટ્રાવેલર્સને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે એટલે તેમણે તેમના ઘરે આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ છતાં દરરોજ બે થી ૫ લોકો હોમ ક્વોરેન્ટાઈનનો સરેરાશ ભંગ કરતા હોવાનું જણાયું છે. આવા લોકોને પછી ધરપકડ કરીને ફરજિયાત ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જવાય છે. હજી પણ વધુ લોકોને ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જઈ શકાય છે તેવી તેમણે શક્યતા દર્શાવી હતી. ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્ય કોરોના સંક્રમણના હાલ ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ગુજરાત સરકાર કોરોનાના શંકાસ્પદ દર્દીઓને બે પ્રકારની ક્વોરેન્ટાઈન સુવિધા ઓફર કરી રહી છે.

            આમાં પે એન્ડ યુઝ ક્વોરેન્ટાઈન અને બીજી હોસ્ટેલ પ્રકારની ક્વોરેન્ટાઈન સુવિધા છે. આ માટે દર્દીને તમામ પ્રકારની સુવિધાઓ અપાય છે. આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, તમામ ટ્રાવેલર્સને હાથ પર સ્ટેમ્પ લગાવીને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે જેથી કોરોનાનો ચેપ પ્રસરે નહીં. સરકાર અને તંત્ર તમામ પ્રકારે અગમચેતીના અને અસરકારકતાના પગલાં લઇ રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં ખાસ કરીને જાહેરજનતાએ પણ સરકારના નિર્દેશો અને તંત્રની સૂચનાઓનો અમલ કરી પૂરતો સાથ-સહકાર આપવો જોઇએ તો આ મહામારી પર જલ્દી કાબૂ મેળવી શકશે અને તેના ફેલાવામાં બહુ મોટી મદદ મળશે.

(8:33 pm IST)