ગુજરાત
News of Friday, 20th March 2020

નડિયાદ: કોરોના વાયરસના કારણોસર ડાકોરમાં રણછોડરાયજીના દર્શન 31મી સુધી બંધ કરવામાં આવ્યા

નડિયાદ: શહેરમાં કોરોના વાઇરસની મહામારીએ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામોના દરવાજાઓ બંધ કરાવ્યા છે. ડાકોર અને વડતાલ જેવા યાત્રાધામો ના દર્શન આજે બપોરથી બંધ થયા છે.ઉપરાંત સંતરામ મંદિર ફાગવેલના ભાથીજી મહારાજ,મીનાવાડાના દશામાં, ગળતેશ્વર મહાદેવ,જેવા જાણીતા મંદિરોમાં દર્શન થશે નહિ.આજે સવારથી વહીવટી તંત્રએ મંદિરોના વ્યવસ્થાપકો સાથે ચર્ચા હાથ ધરીને નિર્ણયો લેવડાવ્યા છે.ડાકોરના ઠાકોરના દર્શન મંદિર બહારની મોટી  સ્ક્રીન ઉપર ,જ્યારે વડતાલના દર્શન ઓનલાઇન કરીને શ્રધ્ધાળુઓએ સંતોષ માનવો પડશે.પરંતુ બે દિવસથી મુંબઇનુ સિધ્ધિવિનાયક મંદિર બંધ થયુ હોવા છતા મહેમદાવાદના સિધ્ધિવિનાયક મંદિરના દર્શન હજી પણ ચાલુ છે.

કોરોના વાયરસને પગલે ભીડ એકઠી થતી રોકવા માટે સરકારની અપીલ અનુસંધાને ગઇકાલે ડાકોર મંદિરે દર્શનના સમયમાં ઘટાડો કર્યો હતો.પરંતુ આજે સવારે કલેેકટરની જાત તપાસ અને રૂબરૂ મુલાકાત બાદ મંદિર સત્તાવાળાઓએ નિર્ણય બદલ્યો છે. અને આજે સાંજે સખડીભોગના દર્શન બાદ અચાનક ડાકોરના મંદિરના દર્શન સંપૂર્ણ બંધ કરાયા હોવાનુ સત્તાવાર રીતે જાહેર કર્યુ છે. જો કે શ્રધ્ધાળુઓને રણછોડરાયના દર્શન મંદિર બહારના મોટી સ્ક્રીન ઉપર સતત મળી રહેશે.

(6:14 pm IST)