ગુજરાત
News of Friday, 20th March 2020

કોરોના અસર: ગુજરાતમાં સુગર ફેકટરીઓની ચૂંટણી ન યોજવા નર્મદાના પાટીદાર યુવાને સીએમને પત્ર લખ્યો

જો ચૂંટણી જાહેર થશે તો ગામે ગામ સભાઓ થશે,જેથી કોરોના ફેલાવાનો ભય રહેશે : નર્મદાના પાટીદાર યુવાને દેહસત વ્યક્ત કરી : સરકાર જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવે તો ગુજરાતની સુગર ફેકટરીઓ ચૂંટણી કાર્યક્રમ હાલ પૂરતો જાહેર ન કરે:નર્મદાના પાટીદાર યુવાનની વિનંતી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા: કોરોના વાયરસે વિશ્વ ભરમાં હાહાકાર મચાવ્યો છે.ભાગ્યે જ કોઈ એવું રાજ્ય હશે જ્યાં કોરોના એ દસ્તક ન દીધી હોય.ગુજરાતના સુરત,રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ કોરોના ના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.જેને પગલે સરકારે ત્યાં 144 ની કલમ લાગુ કરી દીધી છે.આ તમામ વચ્ચે નર્મદા જિલ્લાના એક પાટીદાર યુવાને કોરોના વાયરસને લીધે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી ગુજરાતની સુગર ફેકટરીઓની ચૂંટણી ન થાય તેવી માંગ કરી છે.

  નર્મદાના નાંદોદ તાલુકાના વાવડી ગામના પ્રવીણભાઈ શાંતિલાલ પટેલે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.જેથી ગુજરાત સરકારે આગામી 31 માર્ચ સુધી સ્કૂલો, કોલેજો સહિત જ્યાં વધુ લોકો એકત્ર થાય છે એવી તમામ જગ્યાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે.તો ગુજરાતની કેટલીક સુગર ફેકટરીઓએ સંચાલક મંડળની ચૂંટણી જાહેર કરવાની તૈયારીઓ કરી છે.

  25 હજારથી 30 હજાર સભાસદો ધરાવતી સુગર ફેકટરીઓનું કાર્યક્ષેત્ર 300-400 ગામોનું હોય છે.તેથી જો ચૂંટણીઓ જાહેર થાય તો ગામે ગામ મોટી સભાઓ થાય જેને કારણે કોરોના વાયરસ ફેલાવાનો ભય વધુ રહેલો છે.જાનલેવા વાયરસ મામલે જો ભારત સરકારે અગમચેતીના પગલાં રૂપે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે ગુજરાતની સુગર ફેકટરીઓ પોતાનો ચૂંટણી કાર્યક્રમ હાલ પૂરતો જાહેર ન કરે એવો સરકાર હુકમ કરે એવી મારી વિનંતી છે.

(5:24 pm IST)