ગુજરાત
News of Friday, 20th March 2020

સબ રજીસ્ટ્રાર કચેરીઓ બંધ કરવાની વિચારણા, દસ્તાવેજ નોંધણી સ્થગિત થઇ જવાની શકયતા

પોરબંદર જિલ્લામાં અને અમદાવાદ કલેકટર કચેરીના કાર્યક્ષેત્રમાં બંધનો આદેશ

રાજકોટ, તા. ૨૦ :. રાજ્યમાં કોરોના તાવના પાંચ કેસ પોઝીટીવ મળતા ચોંકી ઉઠેલી સરકારે સાવચેતીના ધડાધડ પગલા શરૂ કર્યા છે. જ્યાં લોકોની ભીડ થતી હોય તેવી સેવાઓ બંધ કરવાનું શરૂ કર્યુ છે. સરકાર દ્વારા મિલ્કતના વેચાણ માટેની કામગીરી કરતી સબ રજીસ્ટ્રાર કચેરીઓ થોડા દિવસ માટે બંધ કરવાની વિચારણા શરૂ થયાનું જાણવા મળે છે. જો સરકાર આ નિર્ણય લેશે તો માર્ચ એન્ડીંગ વખતે જ દસ્તાવેજને લગતી કામગીરી સ્થગિત થઈ જશે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. જ્યાં મિલકતના દસ્તાવેજ માટે પક્ષકારો, વકીલો વગેરે મોટી સંખ્યામાં આવતા હોય છે. પોરબંદર જિલ્લા કલેકટરે તેમના કાર્યક્ષેત્ર હેઠળની સબ રજીસ્ટ્રાર કચેરીઓ બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપી દીધો છે. અમદાવાદ કલેકટર કચેરી સંકુલમાં બેસતી સબ રજીસ્ટ્રાર કચેરીઓ માટે પણ આવો જ આદેશ થયો છે. સમગ્ર રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓ બંધ રાખવા માટે સરકાર દ્વારા વિચારણા શરૂ થયાનું સરકારના વર્તુળોએ જણાવ્યુ છે. આ અંગે ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય જાહેર થાય તેવી શકયતા છે. જો સબ રજીસ્ટ્રાર કચેરીઓ હાલ બંધ કરવામા આવે તો નાણાકીય વર્ષના ઉતરાર્ધમાં દસ્તાવેજની કામગીરી ઠપ્પ થઈ જવાની ઘટના રાજ્યમાં કદાચ પ્રથમ વખત બનશે.

(4:14 pm IST)