ગુજરાત
News of Friday, 20th March 2020

અમદાવાદ : ચા-પાનના ગલ્લા બંધ, થૂંકવા પર ૧૦૦૦નો દંડ

અમદાવાદમાં ચાર દિવસ માટે થૂંકવા પર પ્રતિબંધ : પાન મસાલાની દુકાનો, મોલ, પાર્ટી પ્લોટ સહિતના જાહેર સ્થળો બંધ : રાજયભરમાં કોરોનાની અસરને લઇ ફફડાટ

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદ શહેરમાં કોરાના વાઇરસના ત્રણ પોઝીટીવ કેસો સામે આવ્યા બાદ તંત્ર દોડતુ થઇ ગયુ છે. ખાસ કરીને આરોગ્ય તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાધીશો એકદમ હાઇએલર્ટ મોડમાં આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો શહેરમાં કોરોના વાઇરસ કેસના બે પોઝીટીવ કેસ સામે આવતાં સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ શહેરમાં ચા-પાનના ગલ્લા તાત્કાલિક અસરથી બંધ કરાવતા પગલાંની અમલવારી શરૂ કરી છે. તો, બીજીબાજુ, મામલાની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલિક અસરથી ચાર દિવસ માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એટલું જ નહી, જાહેરમાં થૂંકવા પર જે ર.૫૦૦નો દંડ વસૂલાતો હતો, તે વધારી હવે એક હજાર રૂપિયા કરી દેવાયો છે. ઇતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદ સહિત રાજયના જુદા જુદા વિસ્તારોમાં ચા અને પાનના ગલ્લામાં સામૂહિક રીતે બંધ કરવાની ઘટના નોંધાઇ છે. ગુજરાતમાં કોરોનાના પ્રવર્તી રહેલા કહેરને જોતાં રાજયના અન્ શહેરોમાં પણ ચાની લારીઓ, પાન મસાલાના ગલ્લા અને મોલ, પાર્ટી પ્લોટ સહિતના જાહેર સ્થળો બંધ કરાવવામાં આવી રહ્યા છે.

             ખાસ કરીને ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસ મળ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં સાચવેતીના ભાગરૂપે કેટલાક પગલા હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પુલ પર તા.૩૧ માર્ચ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને પણ તા.૩૧ માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. બીજીબાજુ, ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કહેરને જોતાં રાજયભરમાં તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં મલ્ટીપ્લેક્સ,સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્વીમીંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય તા.૧૯ થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે. હોટલ,રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ થીએટર, મોલ, ૧૭૦ બગીચા, રેસકોર્સ ગ્રાઉન્ડ, પાનના ગલ્લા, ચાના થડા બંધ રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત રાજ્યભરના મોટાભાગના મંદિરો બંધ રાખવા પણ જણાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ તમામ મોલ સહિતના જાહેર બગીચા સહિતના ભીડભાડ એકત્ર થતી હોય તેવા સ્થાનો બંધ કરવા હકમ કરાયો છે.

અનેક શહેર-જિલ્લામાં કલમ-૧૪૪ અમલી...

સાવચેતીરુપે નિર્ણય કરાયો

અમદાવાદ, તા. ૨૦ : કોરોના વાઇરસની અસર અને ચેપનો ફેલાવો વધુ ના ફેલાય તે હેતુથી અમદાવાદ શહેર સહિત રાજયના અનેક શહેર અને જિલ્લામાં ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં કોરોનાની ગંભીર અસરો સામે આવ્યા બાદ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમગ્ર તંત્ર દોડતુ થઇ ગયુ છે. ખાસ કરીને અમદાવાદ શહેર, વડોદરા, સુરત, અરવલ્લી સહિતના અનેક શહેરોમાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. કલમ-૧૪૪ લાગુ થતાં હવે જાહેરમાં ચાર વ્યકિતથી વધુ કોઇ સ્થળે એકત્ર કે જમા થઇ શકશે નહી. જેથી આ કલમ લાગુ કરી તંત્રએ કોરોના વાઇરસની અસર અને તેના ચેપને ફેલાવો રોકવાના ભાગરૂપે આ પ્રયાસ કરવાની ફરજ પડી છે.

(8:30 pm IST)