ગુજરાત
News of Friday, 20th March 2020

લીંબડીમાં ૭૪ લાખની ઉચાપત કરી ૧૫ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલ ટીમને વધુ એક સફળતા

રાજકોટ, તા., ૨૦: છેલ્લા ૧પ વર્ષથી  લીંબડી પોલીસ સ્ટેશનમાં ઉચાપતના ગુન્હામાં નાસતા ફરતા લીંબડી ખરીદ વેચાણ સંઘના જે તે સમયના એકાઉન્ટન્ટ અમીતકુમાર દિનેશભાઇ રાવલને અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઇ લીંબડી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરાયાનું એસઓજી ક્રાઇમના નાયબ પોલીસ કમિશ્નર ડો.હર્ષદ પટેલે અકિલાને જણાવ્યું છે.

સદરહું આરોપી અમીતકુમાર રાવલ ર૦૦પમાં લીંબડી ખરીદ વેચાણ સંઘમાં ફરજ બજાવતા હતા ત્યારે આરોપી ખરીદ વેચાણ સંઘના ૭૪ લાખની ઉચાપત કર્યાના આરોપસરની ફરીયાદ તેના વિરૂધ્ધ લીંબડી  પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.

ધરપકડથી બચવા આરોપી ૧૫ વર્ષથી પોતાના રહેણાંકો બદલતો રહેતો હતો. દરમિયાન મિલ્કત વિરોધી ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે નાસતા ફરતા ગુન્હેગારોને શોધવા માટેની ઝુંબેશ ચલાવવા આપેલ આદેશ મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એએસઆઇ કરણસિંહ હઠીસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ પ્રવિણસિંહ ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવેલ. આરોપી આટલો લાંબો સમય કયા-કયા છુપાયેલો અને તેને કોણે-કોણે મદદ કરી હતી. તે બાબતોની માહીતી મેળવવા લીંબડી ડીવાયએસપી શ્રી બસીયા તથા ટીમ અત્યારથી જ સક્રિય બની છે.

(12:16 pm IST)