ગુજરાત
News of Friday, 20th March 2020

રૂ.૧૦માં લોકોને 'માસ્ક' મળી રહે તે માટે સાબરમતી જેલમાં ઉત્પાદન બેવડાયુ

અમદાવાદ-સુરતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોઃ અમદાવાદ-વડોદરામાં ઝળુંબતો ભય ધ્યાને લઇ ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા મહત્વનો નિર્ણય : રાજકોટ-વડોદરા-સુરત વિગેરેના લોકોને માસ્કના કાળાબજારથી બચાવવા જેલ સુપ્રિ.ઓની તાકીદની બેઠક

રાજકોટ, તા., ૨૦: દેશ-વિદેશમાં કોરોના વાયરસને કારણે લેવાતા જાગૃતીના પગલા  અને ગુજરાતમાં સુરત અને રાજકોટમાં કોરોના વાયરસને કારણે બે કેસ પોઝીટીવ  બહાર આવવા સાથે અમદાવાદ અને વડોદરામાં પણ પોઝીટીવ રીપોર્ટ આવે તેવી સંભાવનાને ધ્યાને લઇ લોકોમાં માસ્ક અને સેનીટેરાઇઝેશનનું પ્રમાણ વધતા લોકોની લાચારીનો લાભ ઉઠાવી કેટલાક શરીફ બદમાશો દ્વારા માસ્કના બેફામ કાળાબજાર કરવાની વધતી જતી ઘટનાએ ગુજરાતની જેલોમાં રહેલ કેદીઓના હ્ય્દય દ્રવી ઉઠવા સાથે અમદાવાદની એક નાના ગામ જેવી  સાબરમતી જેલમાં માસ્ક ઉત્પાદનનું કાર્ય બમણા જોશથી ચાલુ કરી ફકત રૂ.૧૦માં લોકોને માસ્ક મળી રહે તે માટે ભારે ધમધમાટ  ચાલી રહયાનું અકિલા સાથેની વાતચીતમાં  ગુજરાતના એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસ અને રાજયના જેલવડા ડો.કે.એલ.એન.રાવે જણાવ્યું છે.

જેલવડાએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે સાબરમતી જેલથી શરૂ થયેલ અભિયાન રાજયવ્યાપી બનાવવા યોજના બનાવી રાખી છે. અમારા આ અભિયાનમાં રાજય સરકાર તથા સંબંધીત  વિભાગોનો પણ પુરતો સહકાર મળી રહયો છે.  ગુજરાતની અમદાવાદ-વડોદરા-સુરત અને રાજકોટમાં પણ લોકોને રૂ.૧૦ના વ્યાજબી ભાવે માસ્ક મળી રહે તે દિશામાં  ઉકત જેલોના સુપ્રિન્ટેન્ડેટો  સાથે તાકીદે ચર્ચા વિચારણા કરી છે.

અત્રે યાદ રહે કે રાજયની તમામ જેલોમાં કેદીઓની સુરક્ષા માટે શરદી-ઉધરસના દર્દીઓની તપાસ કરવા માટે જેલ તબીબોને આરોગ્ય વિભાગના નિષ્ણાંતો દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી છે. પ્રત્યેક જેલોમાં કોરોના વાયરસ સંદર્ભે અલગ  આઇસોલેટેડ વોર્ડો ઉભા કરવામાં આવ્યા છે.

અદાલતમાં દર્દીઓને રૂબરૂ રજુ કરવાના બદલે વિડીયો કોન્ફરન્સીંગથી રજુ કરવામાં આવી રહયા છે. નવા પ્રવેશતા કેદીઓની જેલના દ્વારે જ ચકાસણી કરવામાં આવી છે. જેલમાં જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ઇનડોર સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેલમાં કોઇ પણ પ્રકારે કોરોના વાયરસ ન પ્રસરે તે માટે નિયત ગાઇડ લાઇન મુજબ તમામ પગલાઓ લેવામાં આવી રહયા છે.

(12:14 pm IST)