ગુજરાત
News of Friday, 20th March 2020

કોંગ્રેસમાં ભૂકંપ સર્જયા બાદ ભાજપ હજુ 'આફટર શોક' આપશે

નરહરિ અમીનને જીતાડવાની ગુપ્ત યોજના તૈયાર : કોંગ્રેસના જ અમૂક ધારાસભ્યો કોંગ્રેસને ચોંકાવશે

રાજકોટ તા. ૨૦: રાજ્યસભાની ચાર બેઠકો માટે કોંગ્રેસના બે અને ભાજપના ત્રણ સહિત કુલ પાંચ ઉમેદવારો વચ્ચ જંગ છે. તા. ૨૬મીએ મતદાન છે. તે પૂર્વે હજુ નોંધપાત્ર ચઢાવ - ઉતાર આવે તેવા સંજોગો છે. કોંગ્રેસમાં પાંચ ધારાસભ્યોના રાજીનામાં અપાવી ભૂકંપ સર્જનાર ભાજપ હજુ મતદાનના સમય સુધીમાં જબરા 'આફટર શોક' આપવા માંગે છે.

ભાજપના અમૂક ધારાસભ્યો કોંગ્રેસના   સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો દાવો છે પરંતુ તે દાવામાં દમ દેખાતો નથી. હાલના સંજોગોમાં ભાજપના કોઇ ધારાસભ્યો ખુલ્લેઆમ કોંગ્રેસ તરફ વળે તેવુ માનવાનો  કોઇ કારણ નથી. બીજી તરફ ભાજપ પાસે સત્તા સહિતના પરીબળો છે. ભાજપ પોતાના  ત્રીજા ઉમેદવારો નરહરિ અમીનની જીત નિશ્ચિત બનાવવા હજુ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો  સહકાર મેળવવા માંગે છે.  આ સહકાર  ધારાસભ્યોનો રાજીનામા , ગેરહાજરી, કે ક્રોસવોટિંગ સ્વરૂપે હોઇ શકે. ભૂતકાળમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ ભાજપને  મત આપી તુરંત રાજીનામુ આપી દીધેલ તેવુ આ વખતે પણ બનવાની સંભાવના  નકારાતી નથી. ભાજપની ત્રણેય બેઠકો જીતવાની ગુપ્ત યોજના સમય આવ્યે જ  જાહેર થશે.

(11:42 am IST)