ગુજરાત
News of Friday, 20th March 2020

ગુજરાતમાં બાળરોગના ડોકટરોની ૧૨૧ જગ્યાઓ ખાલીઃ દરરોજ ૨૦ થી વધુ બાળકોના મૃત્યુ

મોરબી-દ્વારકામાં ત્રણેય જગ્યાઓ ખાલીઃ રાજકોટમાં માત્ર ૮૦ ડોકટરો છે : જૂનાગઢમાં તમામ ૧૦ જગ્યાઓ પર ડોકટરો છે, પોરબંદરમાં એક જગ્યા ભરેલી, એક ખાલી

ગાંધીનગર, તા.૨૦: રાજ્યમાં બાળરોગના તબીબોની ખાલી જગ્યા અંગે કોંગી ધારાસભ્યોએ પુછેલ પ્રશ્નના જવાબમાં ચોકાવનારી આંકડાકીય માહિતી સામે આવી છે. રાજકોટ જિલ્લામાં સરકારી તબીબોની ૧૬ જગ્યા સામે ૧૦ ભરેલી અને ૬ ખાલી છે. મોરબી અને દ્વારકા જિલ્લામાં ત્રણ -ત્રણ જગ્યા છે તે ખાલી છે. જુનાગઢમાં તમામ ૧૦ જગ્યા ભરેલી છે.

રાજ્યની સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બાળરોગ નિષ્ણાંત ડોકટરોની ૨૯ જીલ્લાઓમાં ૨૬૧ જગ્યાઓ મંજુર થયેલ છે તે પૈકી ૧૪૦ જગ્યાઓ ભરાયેલ છે. જ્યારે ૧૨૧ જગ્યાઓ ખાલી છે. રાજ્યના દાહોદ, છોડાઉદેપુર, સાબરકાંઠા, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ભરૂચ (છ જીલ્લાઓ)માં ૩૨ જગ્યાઓ મંજુર છે તે પૈકી તમામ જગ્યાઓ ખાલી છે, એક પણ જગ્યા ભરાયેલ નથી. બીજી બાજુ તા.૯-૭-૨૦૧૯ની સ્થિતિએ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા અંગે આપેલા જવાબો મુજબ કુપોષિત બાળકોની સંખ્યા ૧,૪૨,૧૪૨ હતી. તે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં છ માસમાં ત્રણ ગણો વધારો થયો છે. રાજ્યમાં ૩,૮૩,૮૪૦ ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા કુપોષિત બાળકો સંખ્યા છે. બાળકોમાં નિષ્ણાંત ડોકટરોની દેખરેખ કે સારવાર હેઠળ રહે તે માટે ડોકટરો જ નથી. ઉપરાંત બે વર્ષમાં સીક ન્યુબોર્ન કેર યુનિટમાં સારવાર દરમ્યાન ૧૫,૦૧૩ બાળકોના મૃત્યુ થયા છે એટલે કે દર બે દિવસે ૪૧ બાળકો અને દરરોજ ૨૦ કરતા વધુ બાળકો મૃત્યુ પામે છે. બીજી બાજુ બાળકોની સારવાર માટે બાળરોગ નિષ્ણાંતો/ ડોકટરો જ પુરતા નથી.

(11:41 am IST)