ગુજરાત
News of Friday, 20th March 2020

છુટાછેડા બાદ પત્નિએ બીજા લગ્ન કર્યાઃ હાઈકોર્ટે પહેલા પતિને ભરણપોષણ આપવાનો આદેશ કર્યો

જીવન નિર્વાહનો હક અને વૈવાહિક સંપત્તિનો હક લગ્નની જેમ તેના અલગ થયા બાદ પણ હોય છે, આથી ડિવોર્સ લીધા બાદ પણ સંપત્તિનો હક અભિન્ન ભાગ હોય છે

અમદાવાદ, તા.૨૦: ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતા ફેમિલી કોર્ટના તે ચૂકાદાને માન્ય રાખ્યો જેમાં મુસ્લિમ પુરુષને પત્નિથી તલાક લીધા બાદ કાયમી જીવન નિર્વાહ માટે લમસમ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો. આ રકમની ચૂકવણીમાં પત્નિના બીજા લગ્નની કોઈ શરતો શામેલ નથી.

હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં ૧૯૩૯ પહેલાથી અસ્તિત્વમાં રહેલા શરીઆ એકટનો ઉલ્લેખ કર્યો જેમાં ભારતમાં મુસ્લિમ મહિલાના હકોનો ઉલ્લેખ છે. હાઈકોર્ટે કહ્યું, ફેમિલી કોર્ટ મુસ્લિમ મહિલાને વળતરનો ચૂકાદો માત્ર ફેમિલી કોર્ટ એકટ હેઠળ નહીં પરંતુ વુમન એકટ ૧૯૮૬ના સેકશન ૩ હેઠળ પણ આપી શકે છે.

ફેમિલી કોર્ટે પતિ અને પત્નીને ડિવોર્સ આપતા જાન્યુઆરી ૨૦૧૯માં કાયમી નિર્વાહ ખર્ચ પેટે ૧૦ લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. બાદમાં મહિલાએ બીજા લગ્ન કર્યા, પરંતુ પતિએ ૨૦૧૪માં જ બીજા લગ્ન કર્યા હતા. પતિએ ફેમિલી કોર્ટના આ આદેશને ૧૯૮૬ના તે એકટનો ઉલ્લેખ કરતા પડકાર્યો જે સંસદે શાહ બાનો કેસમાં પસાર કર્યો હતો. બાદમાં તેણે એમ પણ જણાવ્યું કે ડિવાર્સ બાદ પત્નીએ બીજા લગ્ન કર્યા છે આથી તે વળતર ચૂકવવા માટે બંધાયેલો નથી.

જસ્ટીસ જે.બી પારડીવાળાની બેંચે પતિની દલીલોને નકારી દીધો હતી અને કહ્યું, જીવન નિર્વાહનો હક અને વૈવાહિક સંપત્તિનો હક લગ્નની જેમ તેના અલગ થયા બાદ પણ હોય છે. આથી ડિવોર્સ લીધા બાદ પણ સંપત્તિનો હક અભિન્ન ભાગ હોય છે.

પતિએ દાવો કર્યો હતો કે કોઈ એવો કાયદો નથી જે પત્નીને ડિવોર્સ પર કાયમી વળતર ચૂકવવાનો આદેશ આપે જેના જવાબમાં કોર્ટે કહ્યું, ૧૯૮૬ના કાયદા મુજબ ડિવોર્સમાં મહિલાને ઘણી રાહત આપવામાં આવે છે. ભારતના કાયદા ઉપરાંત હાઈકોર્ટે કુરાનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં લગ્ન બાદ મુસ્લિમ મહિલાને સમાન હકો આપવામાં આવે છે. પતિને કાયમી વળતર ચૂકવવાના આદેશ મુદ્દે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ડિવોર્સના કેસમાં ફરીથી લગ્ન થવા તે વળતર ન આપવાનું કારણ બતાવી શકાય નહીં.

(10:20 am IST)