ગુજરાત
News of Friday, 20th March 2020

રાજ્યની વિવિધ અદાલતોમાં માળખાગત સુવિધા : રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

સીસીટીવી કેમેરાથી પણ અદાલતો સજ્જ છે : રાજકોટમાં ૧૧૮ કરોડના ખર્ચે ભવ્ય કોર્ટ બિલ્ડિંગ બનશે

અમદાવાદ, તા. ૧૯ : કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સર્વ જન હિતાય સર્વ જન સુખાયના મંત્રને વરેલી અમારી રાજ્ય સરકારે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌને સમાન – ઝડપી ન્યાય અપાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેના પરિણામે ગુનાઓના કન્વીક્શન રેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને રાજ્યનું ન્યાયતંત્ર વધુ સુસજ્જ થયું છે. આજે વિધાનસભા ખાતે કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાયદા વિભાગનો અત્યાધુનિક બનાવવા તથા નાગરિકોને ઘર આંગણે સસ્તો – ઝડપી ન્યાય મળે તે માટે દિર્ઘ દ્રષ્ટિ પૂર્વક આયોજન કર્યું હતું. જેના પરિણામે રાજ્ય સરકારે અંદાજપત્રમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. એના પરિણામો આજે રાજ્યના ન્યાયતંત્રમાં કોર્ટ બિલ્ડીંગ, લાયબ્રેરી, જરૂરીયાત મુજબનું માનવબળ જેવી માળખાગત સવલતો ઉપલબ્ધ થઇ છે.

          જેની સુપ્રિમ કોર્ટ દ્વારા નોંધ લઇને રાજ્યની સર્વશ્રેષ્ઠ આ વ્યવસ્થાને બિરદાવી છે એ જ દર્શાવે છે કે અમારી સરકાર નાગરિકોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા કેટલી તત્પર છે. જાડેજાએ ઉમેર્યું કે, છેવાડાના અંતરીયાળ વિસ્તારના નાગરિકોને ન્યાય મળે તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ સતત ચિંતા કરી રહ્યા છે. કોર્ટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સહિત જરૂરિયાત મુજબનું મહેકમ તથા તમામને અદ્યતન તાલીમની સુવિધાઓ પૂરી પાડીને રાજ્યના ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવાનું આયોજન કર્યું છે.   મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંવેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધાર સ્તંભોને આધાર બનાવી 'જયા માનવી ત્યાં સુવિધા'ના મંત્ર સાથરાજ્ય સરકાર છેવાડાના માનવીને ઘર આંગણે જ બિન ખર્ચાળ અને ઝડપી ન્યાય મળી રહે તે દિશામાં માન. હાઇકોર્ટના પરામર્શમાં સતત કામ કરી રહી હોવાનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

             આ પ્રયાસોને પરિણામે આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૨૫૦ જ્યુડીશીયલ તાલુકાઓમાંથી એક માત્ર જોટાણા તાલુકા સિવાય તમામ જ્યુડિશીયલ તાલુકાઓમાં સિવિલ કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે,  ન્યાયતંત્ર માટે અગાઉ ૨૦૦૩-૦૪માં કાયદા વિભાગનું બજેટ માત્ર રૂ. ૧૪૦.૧૯ કરોડનું હતું, તેમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં કાયદા વિભાગના બજેટમાં ૧,૨૦૦ ટકાનો વધારો કરી રૂ. ૧,૬૮૧ કરોડની વિક્રમજનક ફાળવણી કરવામાં આવી છે.

(9:52 pm IST)