ગુજરાત
News of Wednesday, 20th March 2019

50 હજારથી વઘુની રોકડ અને વાહનમાં 10 હજારથી વધુની કિંમતની ભેટ-સોગાદો ઝડપાશે તો થશે કડક કાર્યવાહી: મુખ્ય ચૂંટણી અધિકારી

પક્ષ,કાર્યકર અને ઉમેદવાર અંગે રોકડ રકમની હેરફેર સંદર્ભે માર્ગદર્શિકા જાહેર :તમામ સ્ટાફ માટે કેશલેસ તબીબી વ્યવસ્થા :દિવ્યાંગ માટે સુગમ સુવિધા :ખર્ચની ટીમ પૈકી 563 ફ્લાઈંગ સ્ક્વોડ,378 વિડિઓ સર્વેલન્સ ટીમ ,207 વિડિઓ વ્યૂઇંગ ટિમ અને 26 એકાઉન્ટ ટીમ કાર્યરત

અમદાવાદ :લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત થતાની સાથે રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે  ત્યારે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલીક્રિષ્નને જણાવ્યું હતું કે ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ,પક્ષના કાર્યકર અને ઉમેદવાર અંગે રોકડની હેરફેર અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે

 

જે મુજબ રાજકીય પક્ષોના નેતા ઉમેદવરો અને પક્ષના કાર્યકરો માટે રોકડ રાખવા અંગે માર્ગ્દશષિકા મુજબ ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કાર્યકર અથવા ચૂંટણી સબંધી સામગ્રી પોસ્ટર્સ સાથેના વાહનમાં 50 હજારથી વધુની રોકડ અથવા વાહનમાં કોઈપણ જાતના ડ્રગ્સ,દારૂ હથિયાર અથવા 10 હજારથી વધુની કિંમતના ભેટ સોગાદો મળી આવશે અને જેનો ઉપયોગ મતદારોને લલચાવવા થવાની શકયતા હશે તો જપ્ત કરાશે અને તપાસ જપ્તીની કાર્યવાહીની વીડિઓગાર્ફી થશે 

  રાજ્યમાંથી કુલ 223થી વધુ આચાર સંહિતા ભંગની ફરિયાદો આવી કરવામાં આવી હતી. જેમાંથી 31 ફરિયાદોનો નિકાલ થઇ ગયો છે. દિવ્યાંગ લોકો ચૂંટણીમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. બ્રેઇલ લિપિ વાળી મતદાર સ્લીપ અને ગાઈડ પણ પણ આપાવમાં આવશે. મતદાન મથક સુધી પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
    મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 25 માર્ચ સુધી નવા મતદારોની નોંધણી થઈ શકશે. કોઈ કાર્યકર કે એજન્ટ રૂપિયા 50 હજારથી વધુ રોકડ સાથે પકડાશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

આ ઉપરાંત કોઇ સ્ટાર પ્રચારક (Star Campaigner) ખાસ તેમના વ્યકિતગત ઉપયોગ માટે રૂા.૧ લાખ સુધીની રોકડ રકમ લઇ જતા હોય અથવા પક્ષનો કોઇ કાર્યકર રોકડ રકમ સાથે, તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે તેની વિગતો દર્શાવતું પક્ષના ખજાનચીનું પ્રમાણપત્ર સાથે લઇ જતા હોય તો સ્થાયી દેખરેખ ટુકડી (SST)ના અધિકારી પ્રમાણપત્રની નકલ પોતાન ીપાસે રાખી લેશે અને રોકડ જપ્ત કરશે નહી, તેમ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

જો કોઇ વાહનમાં રૂપિયા ૧૦ લાખથી વધુ રોકડ રકમ મળે અને કોઇ ગુનો બનવાની શંકા ન હોય અથવા કોઇ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયલ ન હોય તો, સ્થાયી દેખરેખ ટુકડી (SST) રોકડ જપ્ત કરશે નહી અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટેએ માહિતી આવકવેરા સત્તાધિકારીને મોકલી આપશે.

મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ.મુરલી ક્રિષ્ણાએ કહ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આચર સહિતા ચૂંટણી જાહેરાતથી જ અમલમાં આવી છે. સમગ્ર રાજયમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમ વચ્ચે સંકલન માટે ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરાયા છે. ખર્ચની ટીમ પૈકી ૫૬૩ ફલાઇંગ સ્કવોડ, ૩૭૮ વિડીયો સર્વેલન્સ ટીમ, ૨૦૭ વિડીયો વ્યુઇંગ ટીમ, ૨૬ એકાઉટીંગ ટીમ કાર્યરત કરાઇ છે.

આ ઉપરાંત, ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ૪૦૦ થી વધુ અધિકારીઓની નિમણુક કરી છે. ખર્ચ નિયંત્રણ માટે રાજ્ય કક્ષાના નોડલ અધિકારીશ્રીઓ પણ નિમાયા છે. પંચ દ્વારા ટુંક સમયમાં ખર્ચ નિરીક્ષકની નિમણુંક થનાર છે. ચૂંટણીની અધિસૂચના થયેથી ૬૩૯ સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ૨૦૮ જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષક કામગીરી શરૂ કરશે. ફલાઇંગ સ્કવોડના વાહનો જિલ્લા કક્ષાએ મોનીટર કરવા તેમા જી.પી.એસ.ફીટ કરવા સર્વે કલેકટરને સૂચના અપાઇ છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચૂંટણી તંત્ર દ્વારા પગલાં લેવાયા

લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આ અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો.એસ.મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૮૯૦ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૩૯,૯૧૫ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૨૨,૩૫૮ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૫૧,૩૨૩ વ્યકિતઓ સામે વિવિધ સીઆરપીસી એકટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.

રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી ત્યારેથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા પ્રોહિબિશન એકટ હેઠળ ૬,૮૫૦, ગુજરાત એકટ હેઠળ ૪૦૫ અને પાસા એકટ અંતર્ગત ૨૦૯ કેસ કરવામાં આવ્યા છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં પોલીસ તંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં આશરે રૂા.૩.૨૩ કરોડની કિંમતનો કુલ ૧.૧૧ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે. તેમજ રૂા.૫.૧૭ કરોડથી વધુ કિંમતનો વાહન સહિતનો મુદ્દામાલ પણ પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ અંતર્ગત ૮,૪૮૯ કેસ કરીને ૬,૭૬૩ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી છે.

કમ્પલેઇન મોનીટરીંગ

 આ ચાર સંહિતા ભંગની કુલ ૨૨ ફરિયાદો મળી છે, તે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.

 રાજ્યમાં કુલ ૮૦,૯૫૯ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર ઇમારતો પરથી દૂર કરવામાં આવ્યા છે.

 આ ઉપરાંત, કુલ ૧૮,૦૫૦ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો,દિવાલ પરનાં લખાણો, ધજા-પતાકા વગેરે ખાનગી ઇમારતો પરથી  દૂર કરવામાં આવ્યા છે.

 આમ, સમગ્ર રાજ્યમાં કુલ ૯૯,૦૦૯ જાહેર ખબરનાં બેનર્સ, હોડિંગ્સ, પોસ્ટર્સ,દિવાલ પરનાં લખાણો અનને ધજા-પતાકાને વગેરે ખાનગી ઇમારતો દૂર કરવામાં આવ્યા છે.

 cVIGILમાં કુલ ૨૧૨ ફરીયાદો મળી છે. તે પૈકી ૭૯ ફરિયાદો પ્રથમ દ્રષ્ટિએ જોઇ ડ્રોપ કરવામાં આવી છે.જ્યારે અન્ય ૧૩૩ ફરિયાદોનો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવ્યો છે.

દિવ્યાંગ મતદારો માટે મતદાન સુગમ બનાવવામાં આવ્યું

ભારતનું ચૂંટણીપંચ કોઇપણ મતદાર રહી ન જાય તે ધ્યેયથી કામ કરી રહેલ છે. આ માટે દિવ્યાંગ મતદારોને મતદાન કરવા તમામ અનુકૂળતા કરવા પંચનો પ્રયત્ન છે. દ્રષ્ટિની તકલીફ ધરાવતાં મતદારો માટે બ્રેઇલ-ફોટો ઓળખપત્રો, ફોટો વોટર સ્લીપ, વોટર ગાઇડ, તથા બ્રેઇલ બેલોટ પેપરની વ્યવસ્થા રાખવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, અલગ પાર્કિગ, મતદાન માટે કતારમાં ઉભા રહેવામાંથી મુકિત જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રષ્ટિ વિહીન મતદાર સહાયકને લઇ જઇ શકે છે. મતદાન મથકે ફરજ પરનાં કર્મચારીઓને સાઇન લેગ્વેજની તથા દિવ્યાંગ સાથે યોગ્ય વર્તનની પણ તાલીમ આપવામાં આવે છે. અગાઉથી જરૂરીયાત જણાવી હોય તો ઘરેથી લાવવા લઇ જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે ભાડાના વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા PwD facilitation એન્ડ્રોઇડ એપ પણ બહાર પાડવામાં આવી છે જે દ્વારા દિવ્યાંગજનો નોંધણી કરાવવી, સુવિધાઓ મેળવવા માટે ઉપયોગ કરી શકશે.

ભારતના ચૂંટણીપંચના ઉદ્દેશને અમલમાં મુકવા ચૂંટણીતંત્ર કટિબધ્ધ છે તેમ ડો.એસ.મુરલીક્રિષ્ણા, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

ચૂંટણી ઢંઢેરો મતદાન પુર્ણ થવા પૂર્વેના ૪૮ કલાક દરમ્યાન બહાર પાડવા પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હીના તા.૨૭/૧૨/૨૦૧૬ના પત્ર ક્રમાંકઃ 437/6/INST/2016-CCS થી માન્ય/નોંધાયેલ રાજકીય પક્ષોને જયારે તેઓ ચૂંટણી ઢંઢરો બહાર પાડે ત્યારે ચૂંટણી ઢંઢેરાની ત્રણ નકલો હિન્દી/અંગ્રેજી આવૃતિમાં (જો મુખ્ય આવૃતિ પ્રાદેશિક ભાષામાં હોય તો) તે ઢંઢેરા પ્રસિધ્ધ થયાના ત્રણ દિવસમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીને મોકલી આપવા જણાવેલ છે.

વધુમાં ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હીના તા.૧૬/૦૩/૨૦૧૯ના પત્ર ક્રમાંકઃ 437/6/1/ECI/INST/FUST/MCC/2019 થી નીચે મુજબ સુચનાઓ આપી છે.

(૧) એક તબક્કામાં યોજાનારી ચૂંટણીના કિસ્સામાં, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૧૨૬ અંતર્ગત પ્રતિબંધિત સમયગાળા એટલે કે મતદાન પૂર્ણ થવા પૂર્વેના ૪૮ કલાક દરમ્યાન ચૂંટણી ઢંઢેરી બહાર પાડી શકાશે નહીં.

(૨) એક કરતા વધારે તબક્કામાં યોજાનારી ચૂંટણીઓના કિસ્સામાં, તમામ તબક્કાઓ માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬ અંતર્ગત પ્રતિબંધિત સમયગાળા દરમ્યાન એટલે કે મતદાન પૂર્ણ થવા પૂર્વેના ૪૮ કલાક દરમ્યાન ચૂંટણી ઢંઢેરો પાડી શકાશે નહીં.

ચૂંટણી ફરજ ઉપરના તમામ સ્ટાફને કેશલેસ તબીબી સુવિધા પૂરી પાડવા બાબત

ભારતના ચૂંટણી આયોગે તા.૦૪/૦ર/ર૦૧૯ ની સૂચનાથી ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ બિમાર પડે અથવા ઇજા પામે તેવા કિસ્સામાં તાત્કાલિક સારી હોસ્પિટલમાં ''કેશલેસ'' તરીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવેલ છે. ભારતના ચૂંટણી આયોગની ઉકત સૂચનાને ધ્યાન લઇ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજન ઉપરનો કોઇ સ્ટાફ બિમાર પડે અથવા ઇજા પામે તો  તેઓેને કેશલેશ તબીબી સારવાર મળી રહે તે માટે  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તેમના તા. ૦૭/૦૩/ર૦૧૯ ના ઠરાવથી જોગવાઇ કરી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉકત ઠરાવની જોગવાઇ અનુસાર રાજય સરકારની જિલ્લા/ તાલુકા કક્ષાએ આવેલ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો/ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ચૂંટણી ફરજ સાથે સંકળાયેલ તમામ મુલ્કી તથા પોલીસ કર્મચારીઓ/ અધિકારીઓ, કેન્દ્રીય  હથિયારી પોલીસ દળના સ્ટાફ, ચૂંટણી ફરજ પરના ડ્રાઇવર/ કલીનર (સંપાદિત કરેલ ખાનગી વાહનના ડ્રાઇવર/કલીનર સહિત)  ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના વિડિયોગ્રાફર વગેરે સ્ટાફને નિઃશૂલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત રાજય સરકારશ્રીની નીચે મુજબની અનુદાનિત હોસ્પિટલો ખાતે  ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ મુલ્કી તથા પોલીસ કર્મચારીઓ/ અધિકારીઓ, કેન્દ્રીય હથિયારી પોલીસ દળના સ્ટાફ,  ચૂંટણી ફરજ પરના ડ્રા઼ઇવર/કલીનર (રેકિવઝિટ કરેલ ખાનગી વાહનના ડ્રાઇવર/ કલીનર સહિત ), ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના વિડીયોગ્રાફર વગેરે સ્ટાફને નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવશે.

(૧)          યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી, સિવિલ હોસ્પિટલ કેમપસ, અમદાવાદ.

(ર)  એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ.

(૩)  ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસ એન્ડ રીસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ.

સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રમાણપત્રના આધારે તાકિદના સંજોગોમાં નજીકની ખાનગી હોસ્પિટલોમાં પણ '' "Cashless" તરીબી સારવાર  મળવાપાત્ર રહેશે.

સ્ટાફને જયારથી  ચૂંટણી ફરજ સોંપવામાં આવે ત્યારથી ચૂંટણી ફરજ પૂર્ણ થાય તે દિવસ સુધી "Cashless" તરીબી સારવારની સુવિધા મળવાપાત્ર રહેશે.

(8:50 pm IST)