ગુજરાત
News of Wednesday, 20th March 2019

કુલ ૫૯ કારસેવકોના મોત બાદ રમખાણોનો દોર થયો

ઘેરા પ્રત્યાઘાત બાદ ૧૨૫ની ધરપકડ થઇ હતી : ટ્રાયલ કોર્ટે ૧૧ને ફાંસી તેમજ ૨૦ને આજીવન કેદ કરી

અમદાવાદ, તા. ૨૦ : દેશભરમાં ભારે ખળભળાટ મચાવી દેનાર ગોધરા કાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ગત તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર જી-૬ને આગ લગાવવામાં આવી હતી. જેમાં ૫૯ કારસેવકોના મોત થયા હતા. ત્યારબાદ આ કેસની તપાસ માટે સીટની રચના કરાઈ હતી. જેને પગલે સીટએ કુલ ૧૨૫ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ટ્રાયલ કોર્ટે ૧૧ને ફાંસીની અને ૨૦ આરોપીને આજીવન કેદની સજા આપી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે ૧૧ આરોપીઓની ફાંસીને સજા આજીવનકેદમાં ફેરવી હતી. આમ હવે યાકુબ સહિત ૩૨ને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ કેસમાં કુલ ૮ આરોપીઓ હજુ પણ ફરાર છે. જ્યારે ૬૩ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ કેસ તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશને તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એસ-૬ કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના નહી પણ જાણીબુઝીને ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી હતી. આ એક ગંભીર અને ખતરનાક ષડયંત્ર હતું. ૩૧ આરોપીઓને આજીવન કેદને ફાંસીમાં તબદિલ કરાવવા માટે રાજય સરકાર દ્વારા સુપ્રીમમાં અપીલ પેન્ડીંગ છે.

(6:48 pm IST)