ગુજરાત
News of Wednesday, 20th March 2019

શહેરના એસજી હાઇવે પર કાર ટકરાતા બિલ્ડરનું મોત

બે કાર ટકરાતા આઠ લોકોને ગંભીર ઇજા : બે કારોની વચ્ચે મોડી રાતમાં બે વાગ્યે ગંભીર અકસ્માત

અમદાવાદ, તા.૨૦ : શહેરના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે મોડી રાતે વર્ના કાર અને ટવેરા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના બિલ્ડર વિપુલ પટેલનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે આઠ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલેસમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બિલ્ડરના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. વર્ના કારે ઓવરસ્પીડમાં ડિવાઈડર કૂદાવી સામેના રોડ પર ટવેરા કાર સાથે અથડાવી હતી. આ અંગે શહેરના એસજી હાઇવે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં સામે આવ્યું કે આ કાર નિવૃત ડીવાયએસપીના પુત્રની છે અને તે તેના બિલ્ડર મિત્ર સાથે મોડી રાતે ફરવા નીકળ્યો હતો. વર્ના કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી, જેને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે વર્ના કારમાંથી દારૂની ખાલી બોટલ જપ્ત કરી છે. પોલીસને આશંકા છે કે વર્નામાં કાર ચલાવનાર અને તેના મિત્ર દારુ પીધેલી હાલતમાં હશે. વર્ના કારમાં નિવૃત ડીવાયએસપીના પુત્ર પ્રતિક બ્રહ્મભટ્ટ અને સોલાના આસ્થા બંગલોઝમાં રહેતો તેનો બિલ્ડર મિત્ર વિપુલ પટેલ હતા. જેઓએ કાર ડિવાઈડર કૂદાવી સામે ટવેરા કારને અથડાવી જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ સહિત સાત લોકો બેઠા હતા જેઓને ઇજાઓ થઈ હતી. જો કે સેટેલાઈટ અને એસ જી-૨ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. વહેલી સવારે ગોઝારા અકસ્માતને જોવા ઉભા રહેલી અન્ય પાંચ કાર પણ અથડાઈ હતી. સદનસીબે તેમાંથી કોઈને પણ નુકસાન થયું નથી. બીજીબાજુ, પોલીસે હવે ડ્રંક એન્ડ ડ્રાઈવની દિશામાં તપાસ આરંભી છે. અકસ્માત કરનાર વર્ના કારમાંથી ખાલી દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસ મૃત્યુ પામનાર બિલ્ડર વિપુલ પટેલ અને પોલીસ પુત્ર પ્રતિક બ્રહ્મભટ્ટના બ્લડ સેમ્પલ ચેક કરશે. જો દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હશે તો ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ લગાડી આ દિશામાં તપાસ થશે. જો કે, અકસ્માતના આ બનાવમાં બિલ્ડર વિપુલ પટેલનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

 

 

 

(6:47 pm IST)