ગુજરાત
News of Wednesday, 20th March 2019

મને ચૂંટણી લડતો રોકવાના સરકાર અને તંત્રના પ્રયાસો

વિરોધ કરતા રોકીશ તો મારામાં અને મોદીમાં શું ફેર : સરકારી વકીલ કોર્ટમાં ખોટા પૂરાવાઓ રજૂ કરી હું ચૂંટણી ન લડી શકું તેના પ્રયાસો કરે છે : હાર્દિક પટેલનો આક્ષેપ

અમદાવાદ,તા. ૨૦ : હાર્દિક પટેલ આજે સતત બીજા દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે છે. રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી અંગે વિચાર-વિમર્શ કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં સરકાર અને તંત્ર પર બહુ ગંભીર આરોપ લગાવતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારી વકીલ કોર્ટમાં તારીખો અને ખોટા પૂરાવા રજૂ કરી સરકાર, પ્રશાસન સહિત બધા ભેગા મળીને હું ચૂંટણી ના લડી શકું તેના પ્રયાસો કરી રહ્યા છે. મે મારી ઇચ્છા વ્યક્ત કરી હતી. જામનગર માટે અને પાર્ટીએ તેના પર સહમતિ પણ આપી છે. જામનગર મારી ઇચ્છા હતી કારણ કે આ વિસ્તારને હું સમજુ છું તેને લઇને જામનગરને મેં મારી પ્રાયોરિટી આપી છે. છતાં પાર્ટી નવું કંઇ આપશે તે પ્રમાણે કરીશ. જામનગર બેઠકની પસંદગી કેમ તેવા સવાલમાં હાર્દિકે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લામાં સૌથી મોટી કંપનીઓ આવેલી છે તેમ છતાં અહીંના યુવાનો બેરોજગાર કેમ છે, ખેડૂતો ગરીબ કેમ છે. તેમજ ખારા પાણીને મીઠા કરવાનો પ્લાન્ટ બનનાર હોય તેમ છતાં દ્વારકામાં પાણીની સમસ્યા યથાવત છે. વિવિધ પ્રશ્નો જામનગર જિલ્લામાં છે. ૨૫ વર્ષનો યુવાન છું, તમે બધા વાતો કરતા હો છો કે યુવાનોએ રાજકારણમાં આવવું જોઇએ તેથી રાજનીતિમાં આવ્યો છું.  જામનગર જિલ્લામાં મારા ચાર મુદ્દા છે જેમાં પહેલો મુદ્દો સારૂ શિક્ષણ અને સસ્તુ શિક્ષણ, બીજો મુદ્દો છે શિક્ષણ પૂરૂ થાય તેવા યુવાનોને રોજગારી, ત્રીજો મુદ્દો ખેડૂતોની આત્મહત્યા રોકવી અને ચોથો મુદ્દો જીતીને આવો તો વધુને વધુ સમય પોતાના વિસ્તારને આપવો. ચૂંટણીપંચે ચૂંટણી લડવાની મંજૂરી આપવી જોઇએ. ભાજપમાં પાંચ પાંચ વર્ષની સજાવાળા નેતા છે. બાબુભાઇ બોખરીયા પર ત્રણ વર્ષની સજા છે છતાંય તે લોકો ચૂંટણી લડી શકે પરંતુ લોકો માટે કામ કરવાવાળા નિર્દોષ લોકો જે ચૂંટણી લડવા માગતા હોય તેને કાનૂની રીતે ગુચવણમાં રાખી ખોટી રીતે ફસાવવામાં આવે છે. હાર્દિક સાચુ બોલે છે એટલે તેઓને ન ગમતું હોય અને પ્રધાનમંત્રી જુઠ્ઠુ બોલે છે છતાં તે ગમે છે. વિરોધ કરવાનો બધાનો અધિકાર છે જો હું વિરોધ કરતા રોકીશ તો મારામાં અને મોદીમાં ફેર શું? મારે બધા માટે કામ કરવું છે. હાર્દિકે નિવેદનમાં બચાવનો પ્રયાસ કર્યો હતો.

 

 

(6:43 pm IST)