ગુજરાત
News of Wednesday, 20th March 2019

રાજનીતિમાં આગળ વધો તો કોઇ સમુદાયનો ભાવ પૂછશે

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની શીખ : રાજકારણ વગર આપણી પ્રગતિ શકય નથી : નરેશ પટેલ

અમદાવાદ,તા. ૧૯ : ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહા રક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાયા હતા. ચૂંટણી નજીક આવતા જ આ કાર્યક્રમમાં હર હંમેશા રાજકારણથી દૂર રહું છું તેવી વાતો કરતા રહેતા ખોડલધામ નરેશ પટેલનો યુ ટર્ન જોવા મળ્યો હતો. મંચ પરથી તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે. રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તેકોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય એ રાજકારણમાં આગળ વધે. જો સમાજ રાજકીય રીતે સંગઠિત થશે તો જ આપણને કોઈ પૂછવા આવશે. નરેશ પટેલે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ લેઉવા પટેલ સમાજને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે હાંકલ કરી હતી અને તો જ સમાજની આવનારી ચૂંટણીમાં નોંધ લેવાશે તેમ જણાવી લોકોને જાગૃત કર્યા હતા. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં પણ નરેશ પટેલે કોઇને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉની જાહેરાતો કરી હતી તો બીજી તરફ તેના પુત્રે કોંગ્રેસના ધારાસભ્યની ખુલ્લા મંચ પર પરથી ટેકો જાહેર કર્યો હોવા છતાં તમામ ધારાસભ્યો હારી ગયા હતા. તે વખતે પણ વ્યક્તિગત સંબંધો છે તેવું જણાવી રાજકારણ કર્યું જ હતું. આ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલે જણાવેલ કે જ્યારે ખોડલધામની શરૂઆત થઈ ત્યારથી ધોરાજી, જેતપુર અને ઉપલેટા ખોડલધામ સમિતિ અમારી સાથે રહી છે અને આજે પણ સાથે રહી છે. ત્યારે સમિતિને મારા અભિનંદન છે. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ઘણા લોકોએ મહારક્તદાન કરી જીવન મરણ વચ્ચે  ઝોલા ખાતા લોકો માટે પ્રેરણારૂપ બને છે તેવા તમામ રક્તદાતાઓનું હું સ્વાગત સાથે અભિનંદન આપું છું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(9:34 pm IST)