ગુજરાત
News of Wednesday, 20th March 2019

BRTS કોરિડોરના કામમાં લાખોની ગેરરીતિની આશંકા

લાખોના ગોટાળાને લઇ કોર્પોરેશન વિવાદમાં : રિંગરોડથી વાડજ, દૂધેશ્વર, દિલ્હી દરવાજાથી પ્રેમદરવાજા સુધીના પ્રોજેકટના પેમેન્ટની વિગતોની કોઇ માહિતી નથી

અમદાવાદ,તા. ૧૯ : અમ્યુકો સત્તાવાળાઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બીઆરટીએસના કોરિડોરના કામમાં લાખો રૂપિયાની ગેરરીતિ આચરાઇ હોવાની આશંકાને લઇ ગંભીર વિવાદ જાગ્યો છે. વધુમાં, ૧૩ર ફૂટ રિંગરોડથી વાડજ જંકશનથી દૂધેશ્વર, દિલ્હી દરવાજાથી પ્રેમદરવાજા સુધીના સાડા પાંચ કિલોમીટરના કોરિડોરના પ્રોજેકટના પેમેન્ટની વિગતોનો અતોપતો નથી, જેને લઇ હવે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા આ મામલો વધુ ગરમાય તેવી પણ શકયતા વર્તાઇ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને જાહેર પરિવહન સેવા ક્ષેત્રે દાયકાઓ જૂની એએમટીએસ ઉપરાંત બીઆરટીએસ બસ સર્વિસનો લાભ અપાવવા માટે જેએનયુઆરએમ હેઠળ કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેકટ જે તે સમયે હાથ ધરાયા હતા. હાલમાં પેસેન્જર આશરે ૧૦૦ કિ.મી.થી વધુની બીઆરટીએસ સર્વિસનો લાભ લઇ રહ્યા છે. દરમ્યાન બીઆરટીએસ કોરિડોરને ડેવલપ કરવાના મામલે લાખો રૂપિયાના ગોટાળા થયા હોવાની વિગત જાણવા મળી છે. તંત્રના પેકેજ પાંચ એ હેઠળ ફેબ્રુઆરી ર૦૦૮ના સમયગાળામાં ૧૩ર ફૂટ રિંગરોડથી વાડજ જંકશનથી દૂધેશ્વર, દિલ્હી દરવાજાથી પ્રેમદરવાજા સુધીના પ.પ કિ.મી. લંબાઇના કોરિડોરને ડેવલપ કરવાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. તે સમયે સત્તાવાળાઓએ સમગ્ર પ્રોજેકટ માટે રૂ.ર૭.૬ર કરોડનો અંદાજ તૈયાર કર્યો હતો. જો કે, તંત્રએ મૂળ અંદાજ કરતાં ૪૮ ટકા વધુ રકમના રૂ.૪૦.૮૮ કરોડના ટેન્ડરને મંજૂર કરતાં ભારે વિવાદ ઊઠ્યો હતો. તંત્રના ટેન્ડર આધારિત નવેસર તૈયાર કરાયેલા રૂ.૪૪.પ૭ કરોડના અંદાજથી તે સમયે ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ તત્કાલીન શાસકોએ ગત ૧૪ ફેબ્રુઆરી ર૦૦૮એ આના લગતો વર્કઓર્ડર કોન્ટ્રાકટરને આપીને આ વિવાદ પર પાણી રેડ્યું હતું. આ સમગ્ર પ્રોજેકટને ૧૮ માસમાં પૂર્ણ કરવાનો હતો જેમાં આશરે ૧૧ મહિનાનો વિલંબ થયો હતો. જોકે પ્રોજેકટને લગતા કન્સલ્ટન્ટ અને પ્રોજેકટ મેનેજિંગ કન્સલ્ટન્ટની મંજૂરીની ફાઇલ તેમજ તેને લગતી પેમેન્ટની વિગતોનો અતોપતો મળતો ન હોવાથી આ બાબતે નવો વિવાદ ઊભો કર્યો છે. સમગ્ર પ્રોજેકટ દરમ્યાન સત્તાવાળાઓએ રૂ.૬૦.૦૭ લાખની એકસ્ટ્રા આઇટમનો સમાવેશ કર્યો હતો. પરંતુ આટલી જંગી રકમ ક્યા કામ પાછળ વપરાઇ તેની પણ કોઇ જાણકારી મળતી ન હોઇ આ બાબત પણ મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે. સત્તાવાળાઓએ સિમેન્ટની ખરીદીમાં પણ કોન્ટ્રાકટરની ગેરવ્યાજબી રીતે તરફેણ કરી હોવાનું બહાર આવ્યું છે. જે તે સમયે સિમેન્ટની ખરીદીમાં કુલ પ૮ર.પ૦ મેટ્રિક ટન સિમેન્ટ પર જે ભાવ વધારો ચૂકવ્યો હતો તે પૈકી કુલ ર૦૪ મેટ્રિક ટન ખરીદીનાં બિલમાં સિમેન્ટ ખરીદીનો રેટ ટેન્ડરમાં દર્શાવેલા બેઝિક રેટ કરતાં ઓછો હોવાનું માલૂમ પડ્યા બાદ પણ આમાં કોન્ટ્રાકટરના ફાઇનલ બિલમાંથી વધારે ચૂકવાયેલા ભાવ વધારાની રિકવરી કરાઇ નથી. આ ઉપરાંત ૧પ૬.૯૬ મેટ્રિક ટન સ્ટીલની ખરીદીમાં પણ આવી રીતે ટેન્ડર રેટ કરતા ઓછા રેટમાં ખરીદી કરાઇ હોવા છતાં પણ મ્યુનિ. સત્તાવાળાઓએ વધારાનો ભાવ ચૂકવીને કોર્પોરેશનને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કરાયું હોવાનો પર્દાફાશ થયો છે. સિમેન્ટ અને સ્ટીલની ખરીદીમાં તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ રીતિના કારણે કોન્ટ્રાકટરના ફાઇનલ બિલમાંથી આજ દિન સુધી લાખો રૂપિયાની રિકવરી કરાઇ નથી. આ ઉપરાંત આ પ્રોજેકટ દરમ્યાનનાં બીટુમીન (ડામર)નાં ઓરિજિનલ બિલો તથા જ્યાંથી ખરીદાયેલા હોઇ તેના ગેટપાસ તેમજ આ બીટુમીન કઇ સાઇટ પર વપરાયું અને ત્યાં ક્યા ડંપર નંબરથી મોકલાયો તેની વિગતોના મામલે ઇરાદાપૂર્વક ઢાંકપીછોડો કરાયો હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હવે વિવાદ ગરમાયો છે.

(9:32 pm IST)