ગુજરાત
News of Wednesday, 20th March 2019

ગુજરાતમાં ભાજપના તમામ દાવેદારોની યાદી તૈયાર :પાર્લામેન્ટ બોર્ડ અંતિમ મહોર મારશે

ત્રણ તબક્કામાં 26 બેઠકોની મંથન પૂર્ણ : વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્થાને તેના પુત્રને ટિકિટ મળે તેવી સંભાવના

અમદાવાદ :આગામી લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો માટે દાવેદારોની યાદી તૈયાર કરી છે આ દાવેદારોની યાદી હાઈકમાન્ડને સોંપવામાં આવશે. જ્યાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે.

  ભાજપે રાજ્યની તમામ બેઠક માટે મંથન પૂર્ણ કરી લીધું છે.ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં ત્રણ તબક્કામાં આ અંગે ચર્ચા થઈ છે. જેમાં પહેલા તબક્કામાં વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, આણંદ, સુરત, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી.

   જ્યારે બીજા દિવસે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પશ્મિમ અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી અને ત્રીજા દિવસે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી.

જ્યારે પોરબંદર લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ ચૂંટણી નહીં લડે, જેમના સ્થાને તેમના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત જશુમતિબેન કોરાટ, અને મનસુખ ખાચરિયાના નામનો પેનલમાં સમાવેશ કરાયો છે.
  અંતિમ તબક્કામાં જૂનાગઢ બેઠક પર ચર્ચા થઈ હતી  જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સહિત ત્રણ નામ રેસમાં છે. જી.પી.કાઠી, ભગવાન કરગઢિયા,પૂર્વ મેયર જ્યોતિબેન વાછાનીના નામો પણ પેનલમાં છે. તો કચ્છ બેઠકની વાત કરીએ તો આ બેઠક અનામત છે. આ બેઠક પર વર્તમાન સાંસદ વિનોદ ચાવડા રિપીટ થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ નરેશ મહેશ્વરીનું નામ પણ રેસમાં આગળ છે.

    આમ ભાજપે ત્રણ તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર દાવેદારોના નામોની ચૂચિ તૈયાર કરી લીધી છે, આ સૂચિને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. જ્યાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે

(8:22 pm IST)