ગુજરાત
News of Thursday, 20th February 2020

ડભોઈના સઠોડ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાળકી સહીત ચાર લોકોના મોત : ચાર ઘાયલ

બાબરી પ્રસંગ પતાવીને પરત ફરતા રસ્તામાં કાળ ભેટ્યો : રીક્ષાનો કચ્ચરઘાણ

વડોદરાના ડભોઇ તાલુકાના સાઠોદ નજીક એક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વર્ષની બાળકી સહિત 4 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા નજીક ઉમેટા ગામના સંજયભાઇ વસાવા અને તેમના પાડોશીઓ બાબરી પ્રસંગમાં રિક્ષા લઇને ડભોઇ તાલુકાના સાઠોદ ગામ ગયા હતા. આ પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાઠોદ ગામ નજીક ડભોઇ તરફથી પૂરપાડ ઝડપે આવતા એક ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે રિક્ષામાં સવાર કેટલાક લોકો ફંગોળાયા હતા.

આ રિક્ષામાં સવાર સંજયભાઇ વસાવા અને તમના પત્ની હિમાબેન વસાવા, 3 વર્ષની દીકરી કિંજલ વસાવા અને રોશની દિપકભાઈ મારવાડી(રહે, સયાજીપુરા, વડોદરા), સીતાબેન દિપકભાઈ મારવાડી(રહે, સયાજીપુરા, વડોદરા), અને ગાયત્રીબેન મણીલાલ વસાવા (રહે, નવીનગરી ડભોઇ) અને લીલાબેન રાવળ રોડ(રહે, ઉમેટા, વડોદરા) ઉપર ફગોળાયા હતા. આ અકસ્માતમાં કિંજલ સંજયભાઈ વસાવા(3), રોશની દિપકભાઈ મારવાડી(11), અને લીલાબેન રાવળનું મોત નીપજ્યું હતું. જ્યારે 4 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

અકસ્માત સર્જાતા સાઠોદ-ડભોઇ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનાના પગલે ડભોઇ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

(10:51 pm IST)