ખેડામાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલ યુવક પર લોખંડના પાઇપથી ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ
ખેડા: કેમ્પમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં રાહુલભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજકની બહેન કાજલને આ વિસ્તારમાં જ રહેતાં મહેશભાઈ રમેશભાઈ દેવીપૂજક સાથે પ્રેમસબંધ બંધાઈ ગયો હોઈ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. અને તે રાહુલના ઘરમાં જ ઘરજમાઈ તરીકે રહેતાં હતાં.
ગતરોજ સવારના સમયે મહેશભાઈ દેવીપૂજક પોતાનું બાઈક લઈ ખેડામાં આવેલ ગેબનશાહ દરગાહ નજીકથી પસાર થઈ રહ્યા હતાં. તે વખતે તેના સગાભાઈ રાજુભાઈ રમેશભાઈ દેવીપૂજક તેમજ કુટુંબીભાઈ ગોવિંદભાઈ બુધાભાઈ દેવીપૂજક અને વિજયભાઈ બુધાભાઈ દેવીપૂજકે રસ્તામાં મહેશભાઈને ઉભા રાખ્યાં હતાં. અને ગાડી છોડાવવાના રૂપિયા માંગી ગમેતેમ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યાં હતાં. ઝઘડો ઉગ્ર બનતાં આ ત્રણેય જણાએ ભેગા મળી મહેશભાઈના બાઈકને ધક્કો મારી જમીન પર પાડ્યાં હતાં. આની જાણ મહેશભાઈના સાળા રાહુલભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજક અને ભરતભાઈ દેવીપૂજકને થતાં તેઓ બન્ને ઘટનાસ્થળે દોડી જઈ ઝઘડામાં વચ્ચે પડ્યાં હતાં. જેથી ઉશ્કેરાયેલા રાજુભાઈ રમેશભાઈ દેવીપૂજકે લોખંડનો પાઈપનો ટુકડો ભરતભાઈના માથામાં મારી દેતાં ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે રાહુલભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજકની ફરિયાદને આધારે ખેડા ટાઉન પોલીસે રાજુભાઈ રમેશભાઈ દેવીપુજક, ગોવિંદભાઈ બુધાભાઈ દેવીપૂજક અને વિજયભાઈ બુધાભાઈ દેવીપૂજક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.