ગુજરાત
News of Tuesday, 20th February 2018

લોકોની મજાક સિવાય હાસ્ય સર્જી શકાય છે : શેખર સુમન

સાત ફેરો કી હેરાફેરીની સ્ટારકાસ્ટ અમદાવાદમાં: લાંબા સમય પછી શેખર સુમન સોની સબ ટીવી ઉપરના નવા કોમેડી શોમાં મુખ્ય ભૂમિકામાં ફરી તમામને દેખાશે

અમદાવાદ,તા. ૨૦ :     હાસ્ય એ નથી કે લોકોની શારીરિક તકલીફો કે તેમની ખામીઓને લઇ મજાક ઉડાવવી પરંતુ રોજબરોજની જીંદગીમાં સર્જાતી ખાટીમીઠી પરિસ્થિતિઓ અને સંજોગોને સાંકળીને પણ હાસ્યની છોળો સર્જી શકાય છે એમ અત્રે જાણીતા ફિલ્મ કલાકાર અને એક જમાનામાં કોમેડીક્ષેત્રે વાહવાહી મેળવનાર શેખર સુમને અત્રે જણાવ્યું હતું. આગામી તા.૨૭મી ફેબ્રુઆરીથી સોની સબ ટેલિવિઝન પર સોમવારથી શુક્રવાર સુધી રાત્રે ૯-૩૦ વાગ્યે શરૂ થઇ રહેલા કોમેડી શો સાત ફેરો કી હેરાફેરીની સ્ટારકાસ્ટ આજે અમદાવાદની મહેમાન બની હતી, જેમાં મુખ્ય કલાકારોમાં જાણીતા ફિલ્મ કલાકાર શેખર સુમન, સ્વાતિ શાહ, અમી ત્રિવેદી અને કેવીન ડેવનો સમાવેશ થાય છે. આ કલાકારોએ આજે અમદાવાદની મહેમાનગતિ માણી પોતાના કોમેડી શોનું લોન્ચીંગ કર્યું હતું. આ પ્રસંગે શોના કલાકારો શેખર સુમન અને સ્વાતિ શાહે જણાવ્યું હતું કે, સાત ફેરો કી હેરાફેરી અગાઉ કયારેય નહી જોઇ હોય તેવી વૈવાહિક કોમેડી છે. પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને સ્ત્રીઓ શુક્ર ગ્રહ પરથી આવી છે એવી વિખ્યાત ઉક્તિને આધારે તૈેયાર થયેલા આ કોમેડી શોમાં સ્ત્રી-પુરુષની ભૂમિકાઓ અને મતભેદોને લઇ વૈવાહિક દંપતિના રોજબરોજના જીવનમાં ઉદ્ભવતી વિવિધ હાસ્યસભર પરિસ્થિતિઓ અને ખાટીમીઠી તકરારો પ્રદર્શિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉપનગરીય મુંબઇની પાર્શ્વભૂમાં આ શોની વાર્તા બે પાડોશીઓ ડંટન અને દેસાઇ પરિવારના જીવન ફરતે વીંટળાયેલી છે. શોમાં શેખર સુમન ભૂપી ટંડન તરીકે પતિની ભૂમિકામાં છે, તેમની પત્નીનો રોલ સ્વાતિ શાહે ભજવી છે. આટલા વખત પછી તમે કેમ ટેલિવિઝન પર એક સારા રોલમાં આવ્યા છો તેવા પ્રશ્નના જવાબમાં શેખર સુમને સ્પષ્ટતા કરી હતી કે, કોઇ સારા રોલ અથવા તો ઓફરની તક હું જોઇ રહ્યો હતો અને આ એક કોમેડી શો હોઇ તેમાં મને સંતોષ થતાં મેં તે તક સ્વીકારી છે. તેમણે આ કોમેડી શો જોવા લોકોને અનુરોધ કર્યો હતો. દરમ્યાન ગુજરાતી કલાકાર અમી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પોતે ગુજરાતી છે અને તેથી અમદાવાદ આવવું એ મારા માટે ઘરવાપસી જેવું છે. મારા ચાહરોને મળવા જ હું અમદાવાદ આવી છું. આ કંઇક અલગ પ્રકારનો કોમેડી શો છે, જે લોકોને ભરપૂર મનોરંજન અને હાસ્ય પૂરું પાડશે.

 

(10:32 pm IST)