ગુજરાત
News of Wednesday, 20th January 2021

નાંદોદના નરખડી ગામ તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી બે દિપડા દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ

દીપડાના ભયથી થથરતા ગ્રામજનોએ દીપડાને પકડવા પાંજરા મૂકવા જંગલખાતાને રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નરખડી ગામ તથા આસપાસના વિસ્તારોમાં બે દિપડા દેખા દેતા ભયનો માહોલ સર્જાયો છે.

  સાતપુડાની પર્વતમાળામાં વસેલા આ દીપડાઓ જંગલો કપાતા આશ્રય સ્થાન અને ખોરાકની શોધ માટે નાંદોદ તાલુકાના ઘણા વિસ્તારોમાં આવે છે.
  નાંદોદ તાલુકાના નરખડી ગામ પાસે આવેલા જય અંબે ફાર્મ પાસે છેલ્લા બે મહિનાથી બે દિપડા દેખા દેતા આસપાસના ખેડૂતો માં ભય ફેલાયો છે, જય અંબે ફાર્મના માલિક સુરેશભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે તેમના ફાર્મમાં છેલ્લા બે મહિનાથી બે દીપડાઓ જોવા મળ્યા છે દીપડાના ભયથી તેમના ફાર્મમાં કોઈ ખેત મજુર મજુરી માટે આવવા તૈયાર નથી, તથા આસપાસના ખેડૂતો પણ ખેતી કરવા માટે પોતાના ખેતરમાં આવતા ગભરાય છે, હજુ સુધી આ દીપડાઓ એ કોઈને નુકશાન કર્યું નથી પરંતુ આ દીપડાઓ કોઈને નુકશાન કરે કે હુમલો કરે તે પેહલા જંગલખાતુ પાંજરા મુકી આ દીપડાઓને પાંજરે પુરે તેવી તેઓએ માંગણી કરી છે.

(11:33 pm IST)