ગુજરાત
News of Wednesday, 20th January 2021

સગીરાના ૨૬ સપ્તાહના ગર્ભના ગર્ભપાતની માગને ગુજરાત હાઇકોર્ટે ફગાવી

ગર્ભપાતની મંજૂરી આપવા કોર્ટનો ઈનકાર : રાજ્ય સરકારને દુષ્કર્મ પીડિતાના પરિવારને આરોગ્યલક્ષી-ભોજન ખર્ચ માટે ૧ લાખ રૂપિયા આપવા હાઈકોર્ટનો નિર્દેશ

વડોદરા, તા. ૨૦ : વડોદરાના એસએસજી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની ટીમના રિપોર્ટ બાદ નર્મદાની ૧૩ વર્ષની સગીરાના ૨૬ સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માંગણી અરજીને ગુજરાત હાઇકોર્ટે મંગળવારે ફગાવી દીધી છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમનો રિપોર્ટ હતો કે સગીરાને ૨૬ સપ્તાહ અને ૪ દિવસનો ગર્ભ છે. તેનામાં જીવનો સંચાર થવાની સંભાવના છે. તેથી ગર્ભપાત કરવો શક્ય નથી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સીના કાયદામાં થયેલ નવા સુધાર મુજબ ૨૪ સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મળી શકે છે. આ સમયે તેની માતા અને ડોક્ટરોની ટીમ તેને સધિયારો આપી શકે છે.

ગુજરાત હાઇકોર્ટે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. ત્યાં જ બીજી તરફ રાજ્ય સરકારને તેના પરિવારનો ભોજન અને આરોગ્યલક્ષી ખર્ચ માટે ૧ લાખ રૂપિયા આપવા નિર્દેશ કર્યો છે.

કોર્ટે સોમવારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું કે ગર્ભના ચિકિત્સકીય સમાપન સંશોધન કાયદો, ૨૦૨૦ હેઠળ મહિલાઓને ૨૪ સપ્તાહ સુધીમાં જ ગર્ભપાત કરવાની મંજૂરી આપી શકાય છે.

ધી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ કાયદા અનુસાર મહિલાને ગર્ભ રહ્યો હોય તો તેને અમુક પરિસ્થિતિમાં અને ચોક્કસ સંજોગોમાં જ આ ગર્ભનો અંત લાવી શકાય છે. ગર્ભપાત એક નાજુક અને સંવેદનશીલ વિષય છે. આ કાયદા નીચે ખાસ સંજોગોમાં જ તબીબ ગર્ભપાત કરી શકે છે.

(9:06 pm IST)