ગુજરાત
News of Wednesday, 20th January 2021

અમદાવાદમાં સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું કૌભાંડ ઝડપાયું

બે લોકોની ૧૯ ગેસની બોટલ સાથે ધરપકડ : લોડિંગ રિક્ષા માલિક અને ડિલિવરી બોયને ઓછી કમાણી મળતા તેઓ રૂપિયા કમાવવા માટે રસ્તો અપનાવ્યો હતો

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદ શહેરની શહેરકોટડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. લોડિંગ રિક્ષા માલિક અને ડિલિવરી બોયને ઓછી કમાણી મળતા તેઓ વધુ રૂપિયા કમાવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. આ શખશો ગેસ ભરેલી બોટલમાંથી થોડો ગેસ અન્ય ખાલી બોટલમાં કાઢી લોકોને ઓછો ગેસ સપલાય કરતા હતા. પોલીસે બે લોકોની ૧૯ ગેસની બોટલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ એમ આઈ ચૌધરીની ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમમાં એક પોલીસકર્મીને બાતમી મળી કે, કેટલાક લોકો ગેસ કટિંગ કરી લોકો સાથે છેતરપીંડી આચરે છે. જેથી બાતમી આધારે એક લોડીંગ રીક્ષા નવદુર્ગાની ચાલી પાછળ આવેલી આંગણ વાડી પાસે ઊભી રખાવી હતી. ત્યારે આ લોડીંગ રીક્ષામાં રાંધણગેસના બાટલા હતા. જે કોને પહોંચાડવાના છે તે બાબતે શખ્સની પૂછપરછ કરી હતી. આ શખ્સની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, રાંધણ ગેસના બાટલામાંથી પેન્સિલ વડે રાધણગેસ કાઢી લઇ ગ્રાહકોને ઓછી ભરેલી રાંધણગેસના બોટલો આપી શખશો છેતરપિંડી કરે છે. અને હાલમાં આ શખ્સોએ પોતાની ગેસના બાટલા ભરેલ લોડીંગ રીક્ષા ગેસ કાઢવા ઊભી રાખી હતી. પોલીસે સંજય સાહુ અને રમેશ વાઘેલા નામના બંને શખ્સોની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે, તેમની પાસે કુલ ૧૯ ગેસના બાટલા છે. ગેસના બાટલા ઉપરના ભાગેથી ખુલ્લા મળી આવ્યા હતા અને તેના ઉપર એક ધાતુની નાની પાઇપ એટલે કે પેન્સિલ લગાડી હતી. જે પાઇપનો બીજો છેડો અન્ય બોટલ સાથે લગાડ્યો હતો. બંને શખ્સોની પુછપરછ કરતાં સંજય નામના શખશે પોલીસને જણાવ્યું કે, આ લોડીંગ રીક્ષા તેની પોતાની માલિકીની છે અને પોતે એચપી ગેસની કંપનીમાં છેલ્લા એક વર્ષથી ડીલીવરી બોય તરીકે કામ કરે છે. અને તેની સાથેનો રમેશ વાઘેલા બાટલા ઉતારવાની મજૂરી કામ કરે છે. જોકે, બંનેને મજૂરીના પૈસા ઓછા મળતા હોવાથી વધુ પૈસા કમાવવા ગેસના બાટલા માંથી થોડો થોડો ગેસ પોતાની પાસેના ખાલી બાટલામાં કાઢી તે બોટલ વેચી પૈસા કમાવવાનું વિચારી કૌભાંડ આચરતા હતા. જેથી પોલીસે આ બન્ને શખ્સો પાસેથી લોડીંગ રીક્ષા અને ગેસની બોટલ કબજે કરી કુલ ૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(9:05 pm IST)