ગુજરાત
News of Wednesday, 20th January 2021

ફાટક મુકત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મઝાદર ખાતે અંદાજે રૂા. ૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું ઇ-લોકાર્પણ: ગુજરાત આગામી ત્રણ-ચાર વર્ષમાં ફાટક મુક્ત રાજ્ય બની જશે જે સમગ્ર દેશમાં પ્રથમ ફાટક મુક્ત રાજ્ય હશે

અમદાવાદ :નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં સહેજપણ અગવડ ન પડે સાથે સાથે સમય અને ઇંધણની બચત થાય એવા આશય સાથે ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં જ સમગ્ર ગુજરાત ફાટક મુક્ત રાજ્ય બની જશે જે દેશભરમાં પ્રથમ ફાટક મુકત રાજ્ય તરીકે ઓળખાશે. આ જ સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ આગળ વધી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મઝાદર ખાતે રૂા. ૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું ઇ-લોકાર્પણ કરાયું હતું.        
આજે ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય મંત્રી પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર રેલ્વે ઓવરબ્રીજના નિર્માણ માટે આગળ વધી રહી છે ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ૪ જેટલા રેલ્વે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. જે આગામી સમયમાં પૂર્ણ  કરાશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૩૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ મઝાદર ફાટકના નિર્માણથી આસપાસના નાગરિકોની અવર-જવરની સુવિધામાં પણ ચોક્કસથી વધારો થશે.       
 તેમણે ઉમેર્યું કે, ઓવરબ્રીજની સાથે સાથે રસ્તાઓનું નેટવર્ક વધારવા તથા હયાત રસ્તાઓના રીકાર્પેર્ટીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જે મુજબ પ્રત્યેક વિધાનસભા દીઠ રૂા.૫૦ કરોડના ખર્ચે સાત વર્ષથી વધુ જૂના રસ્તાઓને રીકાર્પેટીંગ કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે પ્રત્યેક વિધાનસભા દીઠ રૂા. ૧૦ કરોડના ખર્ચે નોનપ્લાન રસ્તાઓ પણ મંજૂર કરાયા છે. જેનો લાભ પણ ટૂંક સમયમાં નાગરિકોને મળતો થઇ જશે.        
તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાનએ ખેડૂત કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ર૫ ડિસેમ્બરે રાજ્યના તમામ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તો જમા કરાવી દીધો છે. એ જ રીતે મા યોજના, મા-વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના ૪ કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. આમ, વડાપ્રધાનના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્રને ચરિતાર્થ કરીને રાજ્યના નાગરિકોને વધુને વધુ વિકાસ કામો થકી સુવિધાઓ પૂરી પડાશે.        
આ પ્રસંગે ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વડગામ ખાતે સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(8:55 pm IST)