ગુજરાત
News of Wednesday, 20th January 2021

પારડી પોલીસ મથકને કોર્પોરેટ લુક સાથે કોર્પોરેટ સ્તરની કામગીરી પણ શરૂ

પીએસઆઈ બી. એન.ગોહિલે એક અનોખો કોન્સેપ્ટ મુક્યો :પોલીસ મથક બહારની દિવાલ પર પોલીસકર્મચારીની બર્થ ડે હોય તેનું નામ તેમજ રોજમરોજ જે પોલીસ કર્મચારીએ સારી કામગીરી કરી હોય એવા કર્મચારીનું નામ લખવાની પ્રથા શરૂ કરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકને અનોખુ રૂપ અપાયું છે. પોલીસ મથકના રિનોવેશન સાથે તેને કોર્પોરેટરનું લુક આપાયું છે. સાથે કોર્પોરેટ સ્તરની કામગીરી પણ અહીં હાથ ધરાઇ છે.
 પારડીના સિનિયર પીએસઆઇ બી. એન. ગોહિલે પારડી પોલીસ મથકને અનોખુ રૂપ આપ્યું છે. પોલીસ મથકનું રિનોવેશન તો સામાન્ય કહી શકાય, પરંતુ પારડી પોલીસ મથકનું નવું રૂપ અનોખુ છે. આ નવું રૂપ પારડી પોલીસ મથકના કર્મચારીઓમાં અનોખો જોમ પુરુ પાડનારૂં છે. સુઝબુઝ ધરાવતા પીએસઆઇ ગોહિલે પોલીસ મથના રિનોવેશન સાથે કોર્પોરેટ જેવો એક અનોખો કોન્સેપ્ટ મુક્યો છે. પોલીસ મથક બહારની દિવાલ પર પોલીસકર્મચારીની બર્થ ડે હોય તેનું નામ તેમજ રોજમ રોજ જે પોલીસ કર્મચારીએ સારી કામગીરી કરી હોય એવા કર્મચારીનું નામ લખવાની પ્રથા શરૂ કરી છે. તેમના દ્વારા રોજ લેવાતા રોલ કોલમાં આ બંને પોલીસ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી તેમને એક નાનકડી ગિફ્ટ આપવાનું પણ આયોજન કર્યું છે. જેના થકી અન્ય પોલીસ કર્મચારીઓને પણ સારી કામગીરી કરવામાં પ્રોત્સાહન મળે તેમજ તેમને પોલીસ મથકમાં કામ કરતા એક પરિવારની લાગણી ઉભી થઇ શકે. પીએસઆઇ ગોહિલના આ સંનિષ્ઠ પ્રયાસની પોલીસ બેડામાં ભારે સરાહના થઇ રહી છે. શિક્ષકમાંથી પોલીસ ફોર્સમાં આવેલા પીએસઆઇ બી. એન. ગોહિલ પોતાના સ્ટાફના શુભ ચિંતક બની રહ્યા છે.

(6:29 pm IST)