ગુજરાત
News of Wednesday, 20th January 2021

રાજ્‍યની ભાજપ સરકાર 50 હજાર હેક્‍ટર જમીન મળતિયાઓને સોંપી દેશે તેવા કોંગ્રેસના આક્ષેપ સામે નીતિનભાઇ પટેલે કહ્યું કે કોંગ્રેસને બધા કાવતરા જ દેખાય છે

ગાંધીનગર: ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાના લક્ષ્યાંકને આંબી જવાના હેતુથી ગુજરાત સરકારે પડતર જમીન ખેતી લાયક બનાવી ખેડૂતોને 30 વર્ષના ભાડા પટ્ટે આપવાનું નક્કી કર્યુ છે. રાજ્ય સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે કહ્યુ હતું કે, રાજ્યની ભાજપ સરકાર 50 હજાર હેક્ટર જમીન મળતિયાઓને સોપી દેશે. કોંગ્રેસના પ્રહાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો છે.

નીતિન પટેલે કોંગ્રેસને જવાબ આપતા કહ્યુ કે, “કોંગ્રેસને આ બધા કાવતરા જ દેખાય છે. અમારી કોઇ પણ સારી યોજના હોય, વેક્સીન આપવાનું વડાપ્રધાને ચાલુ કર્યુ તેમાં શંકાઓ વ્યક્ત કરી, વેક્સીન પ્રત્યે પણ શંકા વ્યક્ત કરી, વેક્સીન શોધનારા વૈજ્ઞાનિકો પ્રત્યે પણ શંકા વ્યક્ત કરી, કોંગ્રેસ તો આ બધુ કરે છે. ગુજરાતના જે વિસ્તારો ખારા પટ વિસ્તારો છે, ખારી જમીન, દરિયાઇ જમીન અથવા બિન ઉપજાઉ જમીન લાખો હેક્ટર છે જે વર્ષોથી પડતર છે. તે પડતર જમીનનો સારી રીતે ઉપયોગ થાય, ત્યા ખેતી વાડી શરૂ થાય, બાગાયત શરૂ થાય, ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધે, બાગાયતી પાકોનું ઉત્પાદન વધે, હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થાય. સરકારની આવકમાં વધારો થાય, જે પડતર જમીન છે તેનો સદઉપયોગ થાય, વિસ્તારનો વિકાસ થાય. નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, મહેસુલ વિભાગ તરફથી ખરાબાની પડતર અત્યાર સુધીની ખારી અને બિન ઉપજાઉ જમીનો છે, જે જમીનો પ્રગતિશીલ ખેડૂતોને આપવા માટે અને ત્યા ખેતી અને બાગાયત કરવા માટે યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ પ્રગતિશીલ ખેડૂતોને મળશે, ત્યા ખેતી અને બાગાયતી કરવાની રહેશે, જમીનની માલિકી સરકારની રહેશે, સરકાર ફક્ત લીઝ ઉપર જમીન આપે છે. ફક્ત ખેતીવાડી અને બાગાયત કરવા માટે પડતર જમીનની રોજગારી વધારવા મુખ્યમંત્રીએ જાહેર કરી છે.

ગુજરાત સરકારે પડતર જમીનને આધુનિક ટેકનોલોજીની મદદથી બાગાયતી ખેતી તથા ઔષધીય પાકને પાત્ર બનાવીને ખેડૂતોને પાંચ વર્ષ સુધી કોઇ પણ જાતના ભાડા વિના જ રેન્ટ પર આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર 50 હજાર હેક્ટર જમીન મળતિયાઓને સોપી દેશે. ખારી જમીનથી ખેતીને વર્ષે 10 હજાર કરોડનું નુકસાન, રાજ્યમાં 58.41 લાખ હેક્ટર ખારી જમીન છે.

(5:30 pm IST)