ગુજરાત
News of Wednesday, 20th January 2021

વલસાડ જીલ્લાના ભીલાડ પોલીસ સ્‍ટેશનના એએસઆઇના આપઘાત કેસમાં પરિવારજનો દ્વારા પીએસઆઇ આર.બી. વણાર વિરૂદ્ધ ગંભીર આક્ષેપો

વલસાડ: જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ ગઈ 16 મી તારીખે પોતાના સરકારી ક્વાર્ટરમાં જ ઝેરી દવા પી અને આપઘાત કરી લીધો હતો. જો કે શરૂઆતમાં ASI ના આપઘાતના બાદ પોલીસ તપાસમાં ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હતી. જો કે હવે આ બનાવના ચાર દિવસ વીતી ગયા બાદ મૃતક ASIના પરિવારજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનના PSI આર.બી વણાર વીરુદ્ધ ગંભીર આક્ષેપો  કર્યા છે.

PSIના ત્રાસને કારણે જ તેમના સ્વજને જીવનનો અંત આણવાનો વારો આવ્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ સાથે આજે મૃતક ASIના પરિવારજનો વલસાડ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ચાર દિવસ વિત્યા બાદ પણ આ મામલે હજુ પરિવારજનોની ફરિયાદ નથી લેવામાં નહી આવી હોવાથી મૃતક ASI ના પરિવારજનોએ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે, ગત્ત 16 મી તારીખે ભીલાડ પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા ASI રતિલાલ ભાઈ ગામીતે ભીલાડ પોલીસ સ્ટેશન નજીક જ આવેલી પોલીસ લાઇનના પોતાના સરકારી ક્વાર્ટરમાં ઝેરી દવા પીને  આપઘાત કરી લીધો હતો. જો કે શરૂઆતમાં કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હતી. ત્યાર બાદ મૃતકના અંતિમ સંસ્કાર તેમના વતન ધરમપુરમાં પુરા રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ બનાવના ચાર દિવસ બાદ હવે મૃતક ASIના પરિવારજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનના PSI આર.બી વણાર  વીરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.

મૃતક ASI રતિલાલ ગામીતના પરિવારજનોના આક્ષેપ મુજબ મૃતક રતિલાલ ભાઈને ભીલાડ પોલીસ સ્ટેશનના PSI આર.બી વણાર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેમને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહેતા. આથી   તેઓ માનસિક તણાવમાં હતા. આ બાબતે તેઓએ પરિવારજનોને પણ જણાવી હતી. જેથી PSI આર.બી વણારના ત્રાસને કારણે તેઓએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડાને મળીને તેમને ન્યાય આપવાની માંગ કરી હતી. હવે વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનના ASI ગામીતના આપઘાત પ્રકરણમાં હવે ભીલાડ પોલીસ સ્ટેશનના PSI આર.બી વણાર પર થયેલા ગંભીર આક્ષેપોને કારણે વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

(5:28 pm IST)