ગુજરાત
News of Wednesday, 20th January 2021

સુરતના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કર્યોઃ ફાર્મ હાઉસમાં આયોજીત ભોજન સમારંભમાં માસ્‍ક અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો અભાવ

સુરત:અમે માસ્ક નથી પહેર્યું તો 1000 રૂપિયાનો દંડ, અને નેતાઓ ટોળે વળીને કાર્યક્રમો કરે તો કોણ જવાબદાર?’ આવા સવાલો સતત જનતા દ્વારા પૂછવામાં આવી રહ્યા છે, છતા નેતાઓના પેટનું પાણી પણ હલતુ નથી. ત્યારે સુરતમાં વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સનો તમાશો કર્યો છે. સુરતમાં પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો છે. હજી સરકારે રાત્રિ કરફ્યૂમાંથી પણ મુક્તિ નથી આપી ત્યાં નિલેશ કુંભાણીએ પોતાના ફાર્મ હાઉસમાં લોકોને જમવા બોલાવ્યા હતા. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.

નિલેશ કુંભાણીએ કોરોનાકાળમાં યોજેલા મેળાવડામાં સ્પષ્ટ દેખાય છે કે, જમવા આવેલા લોકોએ માસ્ક પણ પહેર્યું નથી. તો અહી કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ દેખાઈ રહ્યું છે. ત્યારે congressના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ મામલે નિલેશ કુંભાણીએ જણાવ્યું કે, ગાઈડલાઈન મુજબ સમગ્ર કાર્યક્રમ કરાયો છે. ભાજપ ગાઈડલાઈનને નેવે મૂકીને 1200 લોકોને ભેગા કરે છે. ત્યારે અમે તો 150 લોકોનો જમણવાર કર્યો છે. અમે નિયમ તોડ્યા નથી. જમણવાર હોય તો લોકો માસ્ક કાઢીને જ જમે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નિલેશ કુંભાણી તાજેતરમાં અલ્પેશ કથિરિયાની બર્થડે પાર્ટીમાં પણ સામેલ હતા. થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાની બર્થડે પાર્ટી યોજવામાં આવી હતી અને તેમાં તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા. ગઈકાલે ભરૂચના ઝઘડિયામાં પણ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવાયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં છોટુ વસાવાના ગઢમાં ભાજપે (bjp) ગાબડું પાડ્યું હતું, BTPના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જ્યાં પક્ષપલટા સમયે તમામ નિયમો નેવે મૂકાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની તમામ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

ત્યારે સવાલ ઉઠી રહ્યો છે વારંવાર નિયમો તોડાતા નેતાઓ આખરે ક્યારે સમજશે? કોરોના કાળમાં જમવાનું આયોજન કરવું યોગ્ય? આયોજનમાં નિયમોનું પાલન કેમ ન કરાયું? કોરોનાને આમંત્રણ આપતા આયોજનો ક્યારે બંધ થશે? આ નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી થતી? આ નેતાઓને નિયમો તોડવાની છૂટ કોણે આપી છે?

(5:27 pm IST)