ગુજરાત
News of Wednesday, 20th January 2021

ગાંધીનગરમાં ફાયર સેફટીના મામલે એકસાથે 31 એકમોને તંત્રદ્વારા નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર:શહેરમાં કોમર્શિયલ એકમોમાં ફાયર સેફટીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ફાયર વિભાગ દ્વારા આ એકમોને ફાયર સેફટી સુદ્રઢ કરવા અને વિભાગ પાસેથી એનઓસી મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવતી હતી પરંતુ આ એકમો દ્વારા આ નોટિસોને ઘોળીને પી જવામાં આવતી હતી. કોર્પોરેશને ફાયર સેફટી મામલે સે-૧૧ના પાંચથી વધુ કોમર્શિયલ એકમોને સીલ પણ કરી દીધા હતા જેના પગલે આ એકમો દ્વારા તાત્કાલિક ફાયર સેફટી સુદ્રઢ કરી દેવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશને અન્ય એકમોને પણ ફાયર સેફટી મામલે નોટિસ ફટકારી હતી પરંતુ આ નોટીસ બાદ પણ એકમો દ્વારા ફાયર સેફટી ઉભી કરવામાં આવી નથી કે તંત્ર પાસેથી ફાયર સેફટી માંગવામાં આવી નથી. ત્યારે ગાંધીનગરમાં બે હોસ્પિટલ, ૧૧ વાણિજ્ય ઈમારત, નવ રહેણાંક ઈમારત, બે મોલ અને સાત ગોડાઉનને કોર્પોરેશન તંત્ર દ્વારા આખરી નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ બાદ પણ જો એકમો ફાયર સેફટી વ્યવસ્થા સુદ્રઢ નહીં કરે તો એકમ સીલ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત ૩ર હોસ્પિટલ, ૩૦ જીમ, ૧૪ બેંક, ૧ર કલાસીસ લાયબ્રેરી, બે મોલ અને ૧૩ ઈન્ડ્રસ્ટી ગોડાઉનને ફાયર સેફટી મામલે બીજી નોટીસ આપવામાં આવી છે. આ નોટિસ બાદ ફાયર સેફટી સુદ્રઢ નહીં કરે તો તેમને આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવશે.

(5:14 pm IST)