ગુજરાત
News of Wednesday, 20th January 2021

રાજપીપળાના સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં રાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા ચોરીના ભયથી ફફડતા સ્થાનિકો

પાલિકાનું વીજ બિલ બાકી હોય કનેકશન કપાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું,જોકે હજુ વીજ કંપનીની કનેકશન કાપ્યું નથી પણ લાખો રૂપિયા બાકી હોય કપાઈ પણ શકે છે

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ગત રાત્રે અચાનક સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા લોકો ચોરીના ભયથી થથરી રહ્યા હતા.
સોમવારે રાત્રે લગભગ 8.30 કલાકે રાજપીપળા સ્ટેશન રોડ,દોલત બજાર સહિતના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા અંધારપટ છવાઈ ગયું હોવાથી સ્થાનિકોને શિયાળાની ઋતુ હોવાથી ચોરીનો ભય સતાવી રહ્યો હતો સાથે સાથે પાલિકાનું લાઈટ બિલ બાકી હશે માટે કનેકશન કપાઈ ગયાની પણ ચર્ચા સાંભળવા મળી હતી જોકે વીજ કનેકશન કપાયું નથી છતાં વીજ બીલની મોટી રકમ બાકી હોય કપાઈ પણ શકે છે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આમ પણ શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તા,પાણી,સફાઈ સહિતની પાયાની સુવિધાઓ બાબતે પાલિકા તંત્ર નિષ્ફળ જતું જણાઈ રહ્યું છે તેમાં સ્ટ્રીટ લાઈટની વધુ એક તકલીફ સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(10:28 pm IST)