ગુજરાત
News of Wednesday, 20th January 2021

યુવતીને ભગાડવાના કેસમાં RTO અધિકારીના રિમાન્ડ

પાલનપુરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા : બનાવટી દસ્તાવેજોથી લગ્ન કરનારા અધિકારી માતાની બિમારીનું બહાનું આગળ ધરીને રજા ઉપર ઊતરી ગયા

સુરત, તા. ૧૯ : આરટીઓમાં આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિસારખાન ધાસુરા પોતાના વતન પાલનપુરમાં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લેતા જોરદાર બબાલ થઈ છે. બનાસકાંઠા પોલીસે આ મામલે નિસારખાનની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી તરફ, તેની વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માગ સાથે સુરતમાં બ્રહ્મ સમાજ દ્વારા દેખાવો કરાયા હતા.

બ્રહ્મ સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે નિસારખાન ધાસુરા પાલનપુરની યુવતીને ભગાડીને આબુ લઈ ગયો હતો, અને ત્યાં ૩૦ ડિસેમ્બરના રોજ લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હતા. જોકે, તેણે બોગસ ડોક્યુમેન્ટના આધારે પોતાના લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હોવાનો લોકોનો આક્ષેપ છે. વળી, પહેલાથી પરિણિત હોવા છતાં નિસાર ખાને આ લગ્ન કર્યા છે, અને આ મામલો લવ જેહાદનો છે તેવું પણ બ્રહ્મ સમાજ જણાવી રહ્યો છે.

નિસાર ખાન પોતાની ફરજની જગ્યાએ માતાની સારવારનું બહાનું કરીને મેડિકલ રજા પર ઉતરી ગયા હતા, અને તેઓ હજુ સુધી હાજર થયા નથી. આ દરમિયાન તેઓ પાલનપુરની યુવતી સાથે ભાગી ગયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે નોંધાયેલા ગુના હેઠળ નિસાર ખાનની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, નિસાર ખાન પોતે સુખી-સંપન્ન પરિવારમાંથી આવે છે અને મોંઘી ગાડીઓનો શોખીન છે. તેણે અગાઉ પોતાના જ સમુદાયની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, પહેલા લગ્નની વાત છૂપાવીને તેણે પાલનપુરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, અને બનાવટી ડોક્યુમેન્ટ દ્વારા તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ મામલે યુવતીના પિતાએ નિસાર ખાન સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નિસાર ખાનની કરતૂત બહાર આવતા દક્ષિણ ગુજરાત પરશુરામ બ્રહ્મ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. બ્રહ્મ સમાજ યુવા સેના દ્વારા આ મામલે સુરત આરટીઓ સમક્ષ લેખિત રજૂઆત કરીને નિસાર ખાન વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, તાજેતરમાં જ નીતિન પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, કેટલાક વિધર્મીઓ દ્વારા હિંદુ યુવતીઓને ફસાવવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુપી અને એમપીના એન્ટિ લવ જેહાદ કાયદાનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકાર પણ આવા કાયદાની જરુર હશે તો વિચાર કરશે.

(9:34 pm IST)