ગુજરાત
News of Tuesday, 19th November 2019

ડીસામાં ફરી વાતાવરણમાં પલટો : આકાશમાં ઘટાટોપ વાદળો છવાતા ખેડૂતોની ચિંતા વધી

વરસાદ કે માવઠું પડવાની શક્યતા નહિવત

 

ડીસા પંથકમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવતા વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે.જો કમોસમી વરસાદ પડે તો બટાકા સહિતના પાકોના બિયાંરણ અને વાવેતરને પણ મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.જોકે મામલે હવામાન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે એકાદ બે દિવસ વાદળ છવાયેલા રહેશે પરંતુ વરસાદ કે માવઠું પડવાની શક્યતા નહિવત છે.

  ડીસા પંથકમાં ચોમાસુ સિઝનની વિદાય બાદ પણ કમોસમી વરસાદ અવારનવાર ખાબકી રહ્યો છે.જેના કારણે વ્યાપક નુકશાનથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તેમ છતાં શિયાળાના આરંભે પણ વરસાદના એંધાણથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

 જો કે આકાશમાં ગોરંભાયેલા વાદળાં હટતા ઠંડીનું જોર વધી પડવાની સંભાવના વડીલોએ વ્યક્ત કરી હતી.એક બાજુ વાયરલ બીમારીઓ વધી પડી છે ત્યાં ઠંડીના કારણે બીમારીઓનો ઉપદ્રવ વધી પડવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

(12:49 am IST)